અમદાવાદના પીરાણામાં આવેલાં કાપડ ગોડાઉનમાં નવ જિંદગીઓ હોમાઈ જવા છતાં અમદાવાદનું તંત્ર એક્શન મોડમાં આવ્યું ન હતું. અને ચૂપચાપ તમાશો જોઈ રહ્યું હતું. પણ જેવી જ દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી એ અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં બેસેલાં શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદનું તંત્ર તાબડતોડ એક્શનમાં આવી ગયું હતું.
સવારની ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના મેયર બિજલ પટેલ સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની ટ્વીટ બાદ મેયર પટેલ જાગ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. પણ મીડિયાએ જ્યારે તેઓને આ મામલે આકરાં સવાલો કર્યા ત્યારે તે પ્રેસ કોન્ફરન્સ છોડીને ભાગી ગયા હતા. આ ઉપરાંત મીડિયાથી બચવા માટે મેયર પાછળના દરવાજેથી પ્રવેશ્યા હતા. એટલું જ નહીં મોડે મોડેથી જાગેલાં મેયરે 10 લોકોની જિંદગી હોમાઈ જવા છતાં પણ આ ઘટનાને સામાન્ય ગણાવી હતી.
આગકાંડ મામલે સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત આગની ઘટના મામલે સીએમ રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. 2 ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ આગકાંડની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, GPCBના સંજીવ કુમાર આ મામલે તપાસ કરશે.
પીએમ મોદીએ સૌ પ્રથમ પીરાણા કાપડ ગોડાઉન અંગે દુઃખ વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. તે અગાઉ અમદાવાદમાં બેસેલાં શાસક પક્ષ તરફથી આગકાંડ મામલે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી. મેયર સહિતનાં શાસક પક્ષના એકપણ નેતાએ મૃતકોનાં પરિવારજનોને સાંત્વના આપી ન હતી. પણ જેવી જ પીએમ મોદીની ટ્વીટ આવી કે અમદાવાદનું તંત્ર દોડતું થયું હતું. અને 5 કલાક બાદ મ્યુ. કમિશનર અને DyMC એક્શનમાં આવ્યા હતા. 5 કલાક બાદ કમિશનર LG હોસ્પિટલ પહોંચ્યા હતા. PM મોદીની ટ્વીટ પહેલાં ઘટનાને પગલે તંત્રએ ભેદી મૌન સેવ્યું હતું.