અમદાવાદમાં ઘણા સમયથી યુવતીઓના છેડતીના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે ઘરમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી રહી. ઘરમાં કામ કરવા માટે આવતાં કારીગરો પણ મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. શહેરમાં ચાંદખેડા નજીક રહેતા એક પરિવારના ઘરમાં કલરકામ માટે આવેલો કારીગર મકાનમાલિકની બહેનને ખેંચીંને રૂમમાં લઈ ગયો અને મહિલાના કપડાં ઉતારવા લાગ્યો હતો. એટલામાં મહિલાએ બળજબરી કરી રહેલા યુવકના કાન પર બચકું ભરી લેતાં તે દુષ્કર્મથી બચી ગઈ હતી. આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.
કારીગર મહિલાને ખરાબ નજરથી જોતો હતો
અમદાવાદના ચાંદખેડામાં રહેતી નિશા ( નામ બદલ્યું છે) તેની બહેનના ઘરમાં કલરકામ ચાલતું હતું ત્યારે મદદ માટે ગઈ હતી. ઘરમાં કલરકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રોજની જેમ જ કારીગરો સમયસર આવતાં હતાં. જેથી નિશા પણ જ્યાં કલરકામ ચાલતુ હતું ત્યાં નજર રાખવા માટે ગઈ હતી. નિશા ખૂબ સ્વરૂપવાન મહિલા હોવાથી આ કારીગર પૈકીનો એક કરીગર તેને ખરાબ નજરથી રોજ જોતો હતો. નિશા આ વાતને નજર અંદાજ કરતી હતી.
એકલતાનો લાભ લઈ કારીગર મહિલાને રૂમમાં ખેંચી ગયો
કામના સમયે અન્ય કારીગરો કામથી જ બહાર ગયા હતાં ત્યારે પક્કડ નામનો યુવક ઘરમાં કામ કરતો હતો. આ દરમિયાન નિશા ઘરના બીજા રૂમમાં હતી. નિશાને એકલી જોઈને પક્કડ તેની પર ખરાબ નજર રાખીને તેની તરફ આવ્યો અને નિશા કઈ સમજે તે પહેલાં જ નિશાને પોતાના આલિંગનમાં લઈને અન્ય રૂમમાં ખેંચી ગયો હતો. જ્યાં અવાજ બહાર જતો ન હતો જેથી પક્કડ નિશા સાથે અશ્ચિલ હરકત કરવા લાગ્યો હતો.
બળજબરીપૂર્વક મહિલાના કપડાં ઉતારવા લાગ્યો
આ પક્કડ નામના કારીગરે તમામ હદ વટાવીને નિશાના કપડાં ઉતારવા બળજબરી કરતા નિશાએ પક્કડના કાન પર બટકું ભરી લીધું હતું.પક્કડને બટકું ભરતા નિશા તેનાથી છટકીને બહાર નીકળી ગઈ અને બુમો પાડવા લાગી હતી. જેથી પક્કડ ત્યાંથી ભાગી ગયો હતો. હાલ પોલીસે આ અંગે નિશાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.