અમદાવાદ: ગુરુવારના રોજ આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું હતું કે, અમદાવાદના ઝીકા વાયરસના ત્રણ કેસને બાદ કરતાં બીજા કોઈ સેમ્પલ પોઝિટિવ આવ્યા નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઝીકાની હાજરી છે કે નહીં તે ચેક કરવા માટે અમે 36,613 લોકોના બ્લડ સેમ્પલ એકઠા કર્યા હતા અને 16,571 મચ્છરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટ કરાયેલા તમામ સેમ્પલમાંથી કોઈ પણ કેસ પોઝિટવ આવ્યો નથી.
રાજય સરકારે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યુ હતું કે, ગત વર્ષે અમદાવાદમાં ચોમાસા પહેલા ચેપી રોગોનું સામ્રાજ્ય વધ્યું હતું જેથી શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાયા હતા. પરિણામે રાજ્ય સરકાર દ્વારા તકેદારીના પગલાં રૂપે સેમ્પલ એકઠા કરાયા હતા.
જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેબોરેટરી ટેસ્ટિંગ માટે જ્યારે બ્લડ સેમ્પલ એકઠા કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક સેમ્પલમાં ઝીકા વાયરસ પોઝિટવ નોંધાયો હતો. પરિણામે સેમ્પલને રી-ટેસ્ટિંગ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુડ ઓફ વાઈરોલોજી, પૂના ખાતે મોકલવામાં આવ્યો હતો. આ કેસ 3 જાન્યુઆરીના રોજ પોઝીટીવ નોંધાયો હતો. આ સેમ્પલ એક ગર્ભવતિ સ્ત્રીનું હતું જે ઝીકા વાયરસથી અસરગ્રસ્ત દેશમાં ક્યારેય ગઈ ન હતી.
આ કેસ બાદ હજારો સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા જેમાંથી બે કેસને બાદ કરતા બાકીના સેમ્પલમાં ઝીકા વાયરસ નેગેટીવ આવ્યો હતો. 15 મેના રોજ WHO એ અમદાવાદના બાપુનગરમાં ત્રણ કેસ હોવાનો રીપોર્ટ આપ્યો હતો.