અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પિતરાઈ ભાઈ સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. યુવતીના છૂટાછેડા થઈ ગયા છે, જેથી તેનો પિતરાઈ ભાઈ તેને વારંવાર ફોન કરતો અને શારીરિક સંબંધ રાખવા રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવતીના 2019માં છૂટાછેડા થતા પિતરાઈએ મળવા માટે કહ્યું
શહેરના જગતપુરમાં 33 વર્ષીય યુવતી તેના માતા-પિતા તેમજ ભાઇ-ભાભી સાથે રહે છે. યુવતી અગાઉ નવરંગપુરા ખાતે આવેલી એક ઓફિસમાં આર્કિટેક્ટનું કામ કરતી હતી. વર્ષ 2008માં રાણીપ ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને બાદમાં વર્ષ 2015માં તેણે એક પુત્ર ને જન્મ આપ્યો હતો. પરંતુ પતિ સાથે મનમેળ ન રહેતાં વર્ષ 2019માં તેઓએ છૂટાછેડા લીધા હતા.
આજથી ત્રણેક માસ અગાઉ યુવતીના ફોન પર તેના કાકાના નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર અન્ય કોઈ નહિં પણ તેનો જ પિતરાઈ ભાઈ હતો. તેણે ફોન પર કહ્યું હતું કે મારે તમને મળવું છે જેથી યુવતીએ કહ્યું કે હાલ તેની પાસે સમય નથી. જો કે તેમ છતાં પણ આ યુવકનો વારંવાર યુવતી પર ફોન આવતો હતો અને મળવા જણાવતો હતો. પરંતુ યુવતી તેને મળવાની ના પાડતી હતી.
વારંવાર ફોન કરી શારીરિક સંબંધ બાંધવા રાખવાની માંગણી કરી
યુવતીએ શું કામ છે ફોનમાં જણાવો એવું કહેતા રૂબરૂમાં જણાવીશ તેમ કહી અનેકવાર ફોન કર્યા હતો. ત્યારે ફોનમાં પિતરાઈ ભાઈએ યુવતીને કહ્યું કે “તું ડિવોર્સી છે અને હું પણ મારી પત્નીથી ખુશ નથી, મારે તારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા છે અને તારી પણ જરૂરિયાત હશે” જો કે યુવતીએ આવા કોઈ રિલેશન રાખવાની ના પાડી હતી અને ફોન ન કરવા કહ્યું હતું. આમ છતાં ફોન કરી ખોટી રીતે અવારનવાર શારીરિક સંબંધ રાખવા આ વ્યક્તિએ માગણીઓ કરી હતી.
‘શારીરિક સંબંધો બાંધવા જ પડશે નહીંતર જાનથી મારી નાખીશ’
યુવતીએ તેને સમજાવ્યું કે આપણે એક કુટુંબના છીએ આવી વાતો આપણે ન કરી શકીએ છતાંય તે વારંવાર ફોન કરતો હતો. ત્યારે યુવતીનો ફોન ખોવાઈ ગયો હતો અને બાદમાં અનેક દિવસ બાદ તેણે નવો ફોન લીધો હતો. તે દરમિયાન આ કૌટુંબિક ભાઇનો ફોન આવતો બંધ થયો હતો. પરંતુ યુવતીએ નવો ફોન લીધો ત્યારે ફરીથી તેનો ફોન આવવાનું શરુ થયું હતું અને વોટ્સએપ મેસેજીસ પણ કરવા લાગ્યો. યુવતીએ તેના કુટુંબના લોકોને આ વાત કરતા કૌટુંબિક ભાઇએ ફોન કરી તું આપણી વાતો બધાને કહેતી ફરે છે તારે શારીરિક સંબંધો બાંધવા જ પડશે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં આખરે તેણે આ મામલે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.