દેશના ઉત્તર ભાગમાં થોડા દિવસોથી હિમવર્ષા થઇ રહી છે.જેના કારણે ઠંડો પવનો ફૂંકાય છે.ગુજરાત રાજ્યમાં પણ બે દિવસથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.અને અમદાવાદ,ગાંધીનગર શહેરમાં બે દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.6 ડિગ્રીએ પહોંચ્યો છે.ગાંધીનગરમાં પણ 14 ડિગ્રી સાથે ઠંડુ શહેર બન્યું છે.હવામાન વિભાગે આગાહી જણાવી છે કે આગામી 24 કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે.
આ વર્ષે શિયાળાની સીઝન મોડી થઇ છે.પરંતુ આવનારા દિવસોમાં જબરદસ્ત ઠંડી વધશે તેવી શક્યતાઓ છે.છેલ્લા બે દિવસથી સતત ઠંડીનો ચમકારો જોવા મળે છે.પવનની ઝડપ પણ 6થી 8 કિ.મી.પ્રતિ કલાક રહેતા મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે.ગુજરાતમાં અનેક શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયો છે.જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 14.6 ડિગ્રી લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન વધવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આવનારા 3 દિવસ 16થી18 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેશે.સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.27 ઓક્ટોબરે શહેરમાં લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને 14.6 ડિગ્રી થયું છે. આમ, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનના 50 ટકાથી પણ ઓછું થઈ ગયું છે. જેથી રાજ્યમાં અચાનક ઠંડીમાં વધારો થયો છે.