શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાના દિયરે જ તેની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા તેની સાસુ પાસે જતી હતી ત્યારે તેનો દિયર આવ્યો અને થુંકવા બાબતે બોલાચાલી કરી હતી. મહિલાએ દિયરને છેડતી કેમ કરે છે તેવું કહેતા દિયરે પેન્ટ કાઢી ‘આજે તો બતાવી જ દઉં’ કહેતા મામલો બીચકયો હતો. સમગ્ર બાબતને લઈને મહિલાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
દિયર એક્ટિવા લઈને પાછળ પાછળ ફરી છેડતી કરતો
ઘટનાની વિગતો મુજબ, શહેરના જુના વાડજમાં એક 34 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તે ઘરેથી નીકળી તેની સાસુની સેવા કરવા જતી હતી. ત્યારે ચાલીમાં રહેતા આ મહિલાના દિયરે તેની સામે જોઇને કેમ મારી સામે જોઇને થુંકે છે તેવું પૂછ્યું હતું. બાદમાં મહિલાએ કેમ મારી પાછળ એક્ટિવા લઈને આવે છે અને છેડતી કરે છે તેવું કહ્યું હતું.
ભાભી સામે પેન્ટ ઉતારી દિયર બોલ્યો- ‘આજે તમને બતાવી દઉં’
જે બાદ દિયરે ભાભી સામે પેન્ટ ઉતારીને કહ્યું, ‘આજે તને બતાવી દઉં છું.’ મહિલા આ પરિસ્થિતિ જોતા ગભરાઈ જતા તેણે બુમાબુમ કરતા તેના સસરા આવી ગયા અને કેમ અમારા પુત્રને બદનામ કરે છે કહીને તકરાર શરૂ કરી હતી. મહિલાની દેરાણીએ આવીને ઈંટ લઈને મહિલાના પેટ અને શરીરના અન્ય ભાગે મારવા જતા બધા ભેગા થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસને જાણ કરતા વાડજ પોલીસે ચાર લોકો સામે છેડતી મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રિવરફ્રન્ટ પર બે દિવસ અગાઉ પોલીસ પુત્રી સાથે બની છેડતીની ઘટના
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ શહેરમાં રિવરફ્રન્ટ પર પોલીસ પુત્રીની છેડતીનો પણ બનાવ સામે આવ્યો હતો. જેમાં કોલેજમાંથી ફી ભરીને એક્ટિવા લઇને જતી પોલીસકર્મીની પુત્રી અને તેની મિત્રને એક્ટિવા પર આવેલા યુવક અને તેના મિત્રએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યુવતીએ એક્ટિવા ભગાવતા યુવકે નજીક લાવી ચાલુ એક્ટિવાએ ચાવી કાઢી લેતાં એક્ટિવાનું બેલેન્સ રહ્યું ન હતું અને બંને યુવતીઓ રોડ પર પટકાઈ હતી. બંને યુવતીઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટના બાદ બંને યુવક ફરાર થઈ ગયા હતા.