અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે મહિલાઓ પરિવારજનની જ છેડતીનો ભોગ બની રહી હોય એવા કિસ્સાઓ વધી રહ્યા છે. આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી અનેક સપનાં સાથે સાસરીમાં ગઈ હતી. સાસરીમાં તમામ સપનાં પૂરાં થશે એવી આશા સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા, પરંતુ તેને સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. વહુ જ્યારે ઘરમાં હોય ત્યારે સસરા એકલતાનો લાભ લેવા તેના રૂમમાં પહોંચી જતા હતા. માત્ર એટલું જ નહીં, સસરા પુત્રવધૂ સાથે અડપલાં કરી અનૈતિક માગણી કરતા હતા. હવે આ સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
‘સસરા રૂમમાં આવી શરીરે સ્પર્શ કરતા’
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, મોટા કાકા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજમાં પૈસા લાવવા માટે દબાણ અંગેની ફરિયાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પોતે રૂમમાં એકલી હોય છે ત્યારે તેના સસરા રૂમમાં આવી શરીરે સ્પર્શ કરી તેની સાથે અણછાજતું વર્તન કરતા હતા. મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લગ્ન સમયે સાસરિયાંએ રૂ.25 લાખ લીધા
આ પરિણીતાના મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પહેલાં સાસરિયાંએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે રૂ. 25 લાખ માગ્યા હતા, જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેમનાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પૈસા પરત ન આપવા પડે એના માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અમદાવાદમાં રહેતાં પરિણીતાનાં સાસુ, સસરા, પતિ તેમજ ઉત્તરપ્રદેશમાં મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ પણ અવારનવાર આ બાબતે ત્રાસ આપ્યો હતો. તેની સાથે અવારનવાર પૈસાની પણ માગણી કરી દબાણ કરતા હતા, જેથી કંટાળીને પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં 2 ઓગસ્ટે સામે આવેલા આવા જ બે કિસ્સા
2 ઓગસ્ટ, 2021: કૌટુંબિક કાકાની પાપલીલા
જ્યારે આ પહેલાં 2 ઓગસ્ટના રોજ પણ શહેરના ચાંદખેડામાં કુટુંબી કાકાએ ભત્રીજીને શારીરિક સંબંધો રાખવાની માગણી કરી હતી. કુટુંબી કાકા કહેતા, ‘તું ડિવોર્સી છું અને હું પણ મારી પત્નીથી ખુશ નથી, જેથી મારે તારી સાથે ફિઝિકલ રિલેશનશિપ રાખવી છે અને તારે પણ જરૂરિયાત હશે. તેઓ અવારનવાર ફોન તેમજ મેસેજ કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરીને પરેશાન કરતા હતા, જેને પગલે કુટુંબી કાકા વિરુદ્ધ ભત્રીજીએ ફરિયાદ નોંધાવી હતી.
ચાંદખેડામાં રહેતાં સપનાબેન (ઉં.33)(નામ બદલ્યું છે.)એ તેમના કુટુંબી કાકા વિજયભાઈ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સપનાબેનના લગ્ન 2008માં થયા હતા. ત્યાર બાદ 2015માં તેની કૂખે દીકરાનો જન્મ થયો હતો. ત્યાર બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતાં તેમણે 2019માં છૂટાછેડા લીધાં હતાં. ત્યાર પછીથી સપનાબેન માતા-પિતા, ભાઈ-ભાભી સાથે રહેતાં હતાં.
3 મહિના પહેલાં વિજયભાઈએ સપનાબેનને ફોન કરીને કહ્યું હતું કે મારે તને મળવું છે, જેથી સપનાબેને મળવાની ના પાડી હતી, જેથી વિજયભાઈ જુદા-જુદા નંબરથી ફોન અને મેસેજ કરતા હતા, જેમાં એક દિવસ વિજયભાઈએ સપના સમક્ષ શારીરિક સંબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી તેમણે તેમને કહ્યું હતું કે આપણે એક જ કુટુંબના છીએ, એટલે મારી સાથે આવી બધી વાતો ના કરશો. તેમ છતાં પરેશાન કરતા હતા, જેથી કંટાળીને આખરે સપનાબેને તેમના પિતાને વાત કરી હતી. ત્યાર બાદ સપનાબેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2 ઓગસ્ટ, 2021: જેઠે યુવતીને બાથ ભીડી
2 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પતિ સહિત સાસરિયાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને માર મારતો હતો. જ્યારે યુવતીનો જેઠ તેને બાથ ભરી તારા વગર મન નથી લાગતું કહી હેરાન કરતો હતો. આ પ્રકારની હરકતોને લઈ યુવતી ઝઘડો કરે તો સાસરિયાં તેને ભૂત વળગ્યું છે કહીને તાંત્રિક વિધિ કરાવતા હતા. આખરે યુવતીએ સાસરિયાંથી કંટાળીને આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.