અમદાવાદ શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓમાં બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ સમસ્યાના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.એકતરફ કોમ્પ્લેક્ષ, સરકારી ઓફિસ કે જાહેર સ્થળોએ પાર્કિગની સુવિધા હોવી જરૂરી છે, પરંતુ શહેરના તમામ બાગ-બગીચાઓ બહાર હવે વાહન પાર્કિગ ન હોવાને કારણે લોકોએ ટ્રાફિક પોલીસની હેરાનગતિનો ભોગ બનવું પડી રહ્યું છે. રિક્રિએશનલ કમિટિના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે, હવે જે નવા અને રિડેવલોપ કરવામાં આવતા બગીચાઓમાં વાહન પાર્કિગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પોતાના અણઘડ આયોજનને કારણે અનેક વખત પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બાગ બગીચાઓમાં આવતાં મુલાકાતીઓના વાહન પાર્ક કરવા માટે પાર્કિગ જ બનાવવાના ભુલી ગઈ છે. જેના કારણે આજે બગીચાઓમાં આવતા મુલાકાતીઓને રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. શહેરનું સૌથી પ્રખ્યાત સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનમાં દર શનિવાર-રવિવારે મોટી સંખ્યામાં લોકો આવે છે. ગાડી લઈને ફરવા આવતા લોકોએ પોતાની ગાડી પાર્કિગના અભાવે રોડ પર જ પાર્ક કરવી પડે છે અને રોડ પર વાહન પાર્ક કરતા ટ્રાફિક પોલીસની ક્રેનવાળા આવીને લોક મારી જતાં રહે છે.. કોર્પોરેશને દરેક જગ્યાએ ગાર્ડન બનાવ્યા પણ પાર્કિગ જ નથી આપવામાં આવ્યા. જ્યાં ગાર્ડન હોય ત્યાં પાર્કિગ હોવું જ જોઈએ અને પોલીસ ટૉના નામે લૂંટે છે એ બંધ થવું જોઈએ.