અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજ રાજ્યની સૌથી મોટી અને સૌથી જુની સરકારી મેડિકલ કોલેજ છે પરંતુ તેમ છતાં આ કોલેજ અને તેમાં ભણતા MBBSના વિદ્યાર્થીઓ અને ભવિષ્યના ડોક્ટરોની સરકારને ચિંતા ન હોઈ હોસ્ટેલ જેવી પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ન અપાતા ભારે હંગામો મચ્યો છે.હોસ્ટેલ મુદ્દે ચાર દિવસથી હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહેલા MBBSના વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે. તમામ વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા હતા અને હોસ્ટેલનો ત્યાગ કરીને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો.
કેમ્પસમાં જ રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી
સરકાર રહેવાની યોગ્ય વ્યવસ્થા ન આપે ત્યાં સુધી કેમ્પસમાં જ રહેવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે. MBBSના છોકરા અને છોકરીઓને હોસ્ટેલની સુવિધા ન મળતા ચાર દિવસથી આંદોલન પર ઉતરેલા છે. ગઈ કાલે તેમણે સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો છે. સરકારની પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ એજન્સીએ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગના સ્ટ્રકચરની તપાસ કર્યા બાદ હોસ્ટેલ વિદ્યાર્થિનીઓને રહેવા માટે અસુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો છે તેમ છતાં પણ સરકાર ગંભીર નથી. વિદ્યાર્થીઓને જે વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટે અપાઈ છે ત્યાં પણ અસુવિધાઓ અને ગંદકી છે.
જરૂરી સામાન બહાર કાઢીને હોસ્ટેલનો ત્યાગ કર્યો
કેમ્પસ બહાર હંગામી ધોરણે પાંચ વર્ષથી ફાળવાયેલી બોયઝ હોસ્ટેલમાંથી અને કેમ્પસમાં આવેલી જર્જરિત ગર્લ્સ હોસ્ટેલમાંથી તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સામાન લઈને બહાર આવી ગયા હતા. વિદ્યાર્થીઓે તમામ જરૂરી સામાન બહાર કાઢીને હોસ્ટેલનો ત્યાગ કરી દીધો હતો અને કેમ્પસમાં જ રહેવા આવી ગયા હતા. ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તમામ વિદ્યાર્થીઓ સામાન સાથે મોડી રાત સુધી ડીન ઓફીસની બહાર કોલેજના પ્રાંગણમાં જ બેઠા રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી હોસ્ટેલની કે રહેવાની પુરતી યોગ્ય સુવિધા નહી અપાય ત્યાં સુધી તેઓ કેમ્પસમાં જ રહેશે.
પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનો હોબાળો
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના થર વચ્ચે ડોક્ટર રહે છે. પીજી હોસ્ટેલમાં સતત ગંદકી અને જર્જરિત વ્યવસ્થાના કારણે આજે પીજી ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને રેલી કાઢી હતી. આ માટે અગાઉ બીજે મેડિકલના સેનેટરી વિભાગ સુધી અરજીઓ થઈ છે, જો કે સેનેટરી વિભાગે આગળ કોઈ રજૂઆત ન કરતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ ડોક્ટરોએ કોરોનાના સમયમાં પોતાના જીવ દાવ પર લગાવીને દર્દીઓની સેવા કરી હતી. ત્યારે ડોક્ટર હવે ખરાબ પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે. પી.જી હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરીને રસ્તા પર ઉતર્યા હતા.
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સતત અવ્યવસ્થાના કારણે પી.જી ડોક્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા જુની ગર્લ્સ પીજી હોસ્ટેલમાં છતના પોપડા પડ્યા હતા. ત્યારે હવે આજે ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને પોતાને પડતી મુશ્કેલીઓ અંગે વિરોધ વ્યક્ત કરવા રેલી કાઢી હતી. આ ડોક્ટરોની નવી પીજી હોટેલમાં પણ ગંદકીના થર જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિના કારણે ડોક્ટરો ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.