અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષિણ ઝોન વિસ્તારમાં મણિનગર ખાતે આવેલ ટી.પી.સ્કીમ નંબર 24 ના ફાઇનલ પ્લોટ નંબર 117 પર આવેલ બાંધકામ જેનું લોકેશન નારાયણ બંગલો દુન સ્કૂલ સામે ઉત્તમ નગર ગાર્ડન પાસે આવેલ છે.આ મિલકત તેના માલિક દ્વારા રેફરન્સ નંબર BLETB/SZ/310115/GDR/A3619/RO/M1 થી ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર સુધીના રહેણાંક પ્રકારના બાંધકામને વિકાસ પરવાનગી મેળવી કેસ નંબર BU/SZ/281016/0708 થી બાંધકામ વપરાશ અંગેની પરવાનગી તારીખ 01/12/2016 ના રોજ મેળવવામાં આવેલ છે.સદર જગ્યાએ વર્ષ 2018/2019 ના સમયગાળા દરમ્યાન બાંધકામનો વપરાશ ફેર કરી સદર ત્રણ માળની પુરી ઇમારત ને હોસ્પિટલ માં તબદીલ કરી દીધેલ છે.જે સંપૂર્ણ ગેરકાયદેસર છે.અરજદાર દ્વારા આ બાબતની જાણ મુખ્યમંત્રી કાર્યાલય,મ્યુનિ.કમિશ્નર,શહેરી વિકાસ સચિવ,ચીફ ફાયર ઓફિસર,અમ્યુ કો.,વિજિલન્સ વિભાગ નાઓને લેખિત ફરિયાદ કરાતા તારીખ 08/10/2020 ના રોજ દક્ષિણ ઝોનના નાયબ નગર વિકાસ અધિકારી દ્વારા ફક્ત ધી.જી.પી.એમ.સી. એક્ટ ની કલમ 478 હેઠળ ની કાર્યવાહી કરવાની માત્રને માત્ર નોટિસ આપી સંતોષ માની સમગ્ર મામલે ઢાંક પીછોડો કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે.કારણકે ધી.જી.પી.એમ.સી. એક્ટ ની જોગવાઈઓ મુજબની કલમ 478 સબબ નાયબ નગર વિકાસ અધિકારી દ્વારા શો કોઝ નોટિસ આપીને કથિત ખુલાસા મંગાવીને પ્રક્રિયા આટોપી લીધી હોય એવું લાગે છે અને સદર મિલકતના કબ્જેદાર દ્વારા આપવામાં આવેલ ખુલાસાઓ માન્ય રાખી શકાય કે કેમ ? તે પણ એક પ્રશ્ન છે કારણકે આખી સોસાયટી રહેણાંક વિસ્તાર હોઈ માત્ર આ મિલકતમાં જ હોસ્પિટલ શરૂ કરી કોમર્શિયલ કામગીરી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ ની સેવા નિષ્ઠા પર અનેક સવાલો ઉભા થાય છે.
આ બાબતે સત્ય ડે ન્યૂઝ દ્વારા નાયબ વિકાસ અધિકારી મનીષ માસ્તર નો સંપર્ક કરાતા તેમણે આ અંગે પોતાની આગવી શૈલીમાં કે જેના માટે તેઓ આખા વિભાગમાં બદનામ છે તે રીતે ઉડાઉ અને બેજવાબદારી ભર્યો ઉદ્ધત જવાબ આપતા જણાવ્યું હતું કે અમે અમારી સિસ્ટમથી કામ કરીએ છીએ પેપર ઉપર બધું ક્લિયર છે.
સત્ય ડે ની ટીમ દ્વારા ફરિયાદી સાથે વાત કરતા જણાવેલ કે મિલ્કતના કબ્જેદાર ડો.જીતેન્દ્ર વાઘેલા અને ડૉ.જિજ્ઞાસા બેન જેઠવાઓ રાજકીય વગ અને મોટું પીઠબળ ધરાવતા હોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હોદેદારો અને મોટા રાજકીય આગેવાનોના પીઠબળ હોઈ સરેઆમ થતા ખોટા કામમાં પણ આખું તંત્ર ઘૂંટણિયે પડી ગયું હોય તેવી પ્રતીતિ થાય છે કારણકે મુખ્યમંત્રી કાર્યાલય ના આદેશને પણ કોર્પોરેશનના અધિકારી મનીષ માસ્તર ધોળી ને પી ગયા છે.
બીજી તરફ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં માહિર એમ.એફ.દસ્તુર ને આ અંગે ફરિયાદી દ્વારા લેખિતમાં તારીખ 21/07/2020 ના રોજ જાણ કરવામાં આવેલ છે.પરંતુ તેમના દ્વારા પણ આજદિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી. કદાચ એમ.એફ.દસ્તુર ને નારોલ અગ્નિકાંડ હોય કે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ જેવી ઘટનાઓ બાદ પણ પેટ નું પાણી હલતું નથી એટલે જ કોઈ પ્રકારની કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા પણ કરવામાં આવતી નથી.