કોરોનાનાં આ કપરા કાળમાં એકબાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લોકોને માસ્ક પેહરવાની કડક માર્ગદર્શિકા જારી કરી તંત્ર મારફતે દંડ ની વસૂલાત કરે છે ત્યારે ખુદ શહેરના મેયર બીજલ પટેલ દ્વારા માસ્ક્ નહીં પહેરી નિયમનો ભંગ કર્યો હોય તેમની પાસે થી પણ નિયમાનુસાર દંડ વસુલ કરવા સમાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સમક્ષ ઉગ્ર માંગણી કરાઈ છે જેને લઈ મેયર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.
સમાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે કે, આ રજૂઆતને 4 મહિના જેટલો સમય વીતી જવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયરશ્રી બીજલ પટેલ પાસેથી નિયમ અનુસાર દંડની રકમ વસુલ કરેલ હોય તેવું ધ્યાને આવેલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિ કમિશનર નીતિન સાંગવા (આઈએએસ) 28 સપ્તેમ્બેર ના રોજ એક જાહેર કાર્યક્રમમાં માસ્ક વગર માલુમ પડતા તેમને રૂપિયા 1000/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક અધિકારીને નિયમોનું પાલન નહિ કરવા બદલ દંડ કરવામાં આવતો હોય તો મેયરને કેમ નહિ?
ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ દંડની રકમ મેયરશ્રી બીજલ પટેલ પાસેથી તાત્કાલિક વસુલ કરવામાં આવે અને તેની જાણ અમો અરજદારને કરવા વિનંતી છે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવશે તો ફરજમાં બેદરકારી અને નિષ્ઠાના અભાવ બદલ શિસ્ત વિસયક કાર્યવાહી થાય તેના માટે રાજ્ય સરકાર સમક્ષ ફરિયાદ કરીશું તેવી ચીમકી પણ ચંદ્રવદન ધ્રુવે ઉચ્ચારી છે.