અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓના રિપેરિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રોડ કન્સ્ટ્રક્શન કરતી કંપનીઓ અને કોન્ટ્રાકટરો માટે કમાણીનું સાધન બની ગયું છે.હવે કોર્પોરેશનના ઈજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસક પક્ષના નેતાઓને કંપનીઓ અને કોન્ટ્રાકટરો સાથે એટલી બધી દોસ્તી થઈ ગઈ છે અંદાજીત ભાવ કરતા પણ વધુ ભાવ મૂકે અને કામ કમિટીમાં લાવી તેને મંજુર પણ કરી દેવાય છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, રાણીપ, પાલડી, વાસણા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રોડને રિગ્રેડ અને રિસરફેસ કરવા માટેના કુલ 36 કરોડના ત્રણ કંપનીઓના ઊંચા ભાવના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.
આ તમામ કંપનીઓને કોર્પોરેશનના અધિકારીઓએ જે અંદાજીત ભાવ મુક્યો છે તેના કરતા દરેકના 20 ટકાથી વધુના ભાવે મુક્યા હતાં અને શેડ્યુલ ઓફ રેટ્સ વધુ હોવાને કારણે ઊંચો ભાવ આવ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડ રિસરફેસ અને રિગ્રેડ માટેના રૂ. 35 કરોડના કામોને કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. SOR વધુ હોવાને કારણે અંદાજીત ભાવ કરતા વધુ ઉંચા ભાવ આવ્યા હતા અને કમિટીમાં તેને મંજુર કરવામાં આવ્યા છે.પશ્ચિમઝોનમાં આવતા તમામ વોર્ડ માટે બે ડેપ્યુટી સીટી એન્જિનિયરના તમામ આવતા વોર્ડના જુદા જુદા રસ્તાઓ રીસરફેસ કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી સીટી એન્જિનિયર 1ના તમામ વોર્ડના ટેન્ડરો પૈકી કોન્ટ્રાકટર એપેક્ષ કન્સ્ટ્રકશનના અંદાજી ભાવથી 17.83 ટકા વધુ ભાવના એટલે કે રૂ. 11.77 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બી યુ મીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂા.1.17 કરોડ ની જોગવાઈ સાથે કુલ રૂ.12.95 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની દરખાસ્ત પણ મંજુર કરી દેવાઈ છે.
આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી સીટી એન્જિનિયર 2ના તમામ વોર્ડના ટેન્ડરો પૈકી વરૂણ પ્રોકોન પ્રા.લી.ના અંદાજી ભાવથી 24.10 ટકા વધુ ભાવના રૂા.12.40 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બીટયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂ.1.24 કરોડની જોગવાઈ સાથે કુલ રૂ. 13.64 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.વિપક્ષ ના હોવાથી ભાજપના શાસકો ગેલમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં અવારનવાર સિંગલ ટેન્ડરો તો આવે જ છે પરંતુ હવે કોન્ટ્રાકટરો જે ભાવ હોય તેના કરતાં વધુ ભાવ મૂકે છે છતાં ભાજપના શાસકો તેને મંજુર કરી દે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વે સર્વા ગણાતા ભાજપના નેતા એન્ટી ચેમ્બરોમાં બેસી કમિટીમાં આવતા કામો અંગે ચર્ચા કરી કંપનીઓ અને કોન્ટ્રાકટરોના કામોને મંજૂર કરવાની સૂચના આપી દે છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા રોડના કામ પાછળ ખર્ચવામાં ભાજપના નેતાઓ અને કોન્ટ્રાકટરો પોતાનો ફાયદો પણ સાથે કરી રહ્યા હોય તેવું કેટલાક સમયથી સંભળાય છે.