અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યાં છે અને દારૂ પીને છાકટા થનારા લોકોને પકડવામાં પોલીસ ક્યાંક પાંગળી સાબિત થઈ હોય એવું ચર્ચાઈ રહ્યું હતું. પોલીસ પર દારુ અને બુટલેગરો મુદ્દે અનેક આક્ષેપો થતા હોય છે. તેવામાં શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમા દારૂ પીધેલા અને દારૂ વેચનારા લોકોને પકડી પાડવા માટે એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. આ ડ્રાઈવમાં પોલીસે બે દિવસમાં જ ૫૨૫ જેટલા દારુડિયા અને દારુ સાથે એમ મળીને કુલ ૫૨૫ લોકોને પકડી પાડ્યાં છે.
પોલીસે પકડાયેલા તમામ લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. દારૂ પીધેલાને પકડીને તેમને ચેકિંગ કરવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવતાં હોય છે. જ્યાં બુધવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં પીધેલા લોકોને ચેકિંગ માટે લાવવામાં આવ્યાં હતાં. આ લોકોની લાંબી લાઈનો લાગી હતી. એટલું જ નહીં હોસ્પિટલની બહાર પોલીસના વાહનોની કતારો પણ જાેવા મળી હતી.
અમદાવાદ શહેરમાં પોલીસે છેલ્લા બે દિવસમાં દારૂડિયા અને બુટલેગરોને પકડવા માટે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં બે દિવસથી આવા લોકો પર પોલીસે તવાઈ બોલાવી છે. જેમાં આખા શહેરમાં અધધધ દારૂડિયા અને બુટલેગરો ઝડપાયા છે. સામાન્ય રીતે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દ્વારા આ પ્રકારની મેગા ડ્રાઈવ યોજવામાં આવે છે. પોલીસે પાંચમી ઓક્ટોબરે શહેરમાંથી ૧૯૧ અને છઠ્ઠી ઓક્ટોબરે ૩૩૪ દારૂડિયા અને બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.