રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે ચાલી રહેલા ધીમા વોટિંગથી રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓ ચિંતિત બની ગયા છે. ખાસ કરીને ભાજપના સંગઠનના ચાણક્ય એવા અમિત શાહ પણ અમદાવાદ આવેલા છે, ત્યારે શાહે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે. તેઓ ભાજપના નેતાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરવા આદેશ કરી રહ્યા છે.
ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય સાથે સાથે રસાકસી થઈ શકે છે. જેને કારણે ભાજપને હારનો સામનો પણ કરવો પડી શકે છે.
તેમજ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ઓછું મતદાન થઈ રહ્યું હોવાથી શહેર ભાજપ પ્રભારી આઈ.કે.જાડેજાએ આગેવાનોને દોડતા કર્યા છે. લોકોને ચૂંટણીબુથ સુધી પહોંચાડવા કામે લાગી ગયા છે.