અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિશન મિલિયન ટ્રી અંતર્ગત જાપાની મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવનારા 65000 વૃક્ષો માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણની તકતીનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને કાર્યકરો તકતી પાસે ફોટો પડાવતા હતા. ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટર આરતીબેન ચાવડા અને ગુજરાત યોગ બોર્ડમાં કોચ રહેલા મહિલા પારૂલબેન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકતીના કરેલા અનાવરણ બાદ ફરીથી તકતીનો પડદો બંધ કરી અને પોતે દોરી ખેંચી ઉદ્ઘાટન કરતા ફોટો પડાવ્યા હતા.
ખાલી દોરી ખેંચી ફોટો પડાવ્યાનો લૂલો બચાવ
કેન્દ્રીય ગૃહમંત્રીના નામ સાથેની તકતીને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એકવખત અનાવરણ કરી તેને ફરીથી તકતી ખોલી મહિલા કોર્પોરેટરે ફોટો પડાવતા વિવાદ થયો છે. આ મામલે ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટર આરતીબેન ચાવડાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તકતીના પડદાની દોરી ખેંચી અને અમે ખાલી ચેક કરતા હતા. અમે ત્યાં ઉભા રહી ફોટો પડાવતા હતા અને દોરી ચેક કરતા હતા અને પછી ફોટો પાડી દીધો હતો.
એક અધિકારીએ હટાવ્યા છતાં હસતાં રહ્યા
ગોતા વોર્ડના મહિલા કોર્પોરેટર આરતીબેન ચાવડાએ તકતી પર લાગેલા પડદાને બંધ કરી દોરી ખેંચી ફરીથી તકતીનું અનાવરણ કરતા હોય એમ ફોટો પડાવ્યો હતો. બાદમાં આટલેથી મહિલા કાર્યકર કે નેતા અટક્યા ન હતા અને ગુજરાત યોગ બોર્ડમાં કોચ રહેલા મહિલા પારૂલબેન પટેલે પણ તકતીનો પડદો ફરીથી બંધ કરી અને દોરી ખેંચી અનાવરણ કરતો ફોટો પડાવ્યો હતો. જો કે એક અધિકારીએ બેન આ રીતે ના હોય એમ કહી ત્યાંથી હટાવ્યા હતાં. છતાં પણ તેઓ જોડે હસતા હતા. તેમની સાથે મહિલા કોર્પોરેટર આરતીબેન પટેલ ઉભા રહી ગયા હતા અને તેઓ સાથે તકતી અનાવરણ કરતા હોય ફોટો પડાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકતીના કરેલા અનાવરણ બાદ ફરીથી તકતીનો પડદો બંધ કરી અને પોતે દોરી ખેંચી ઉદ્ઘાટન કરતા હોય એવા ફોટો પડાવવા એ કેટલું યોગ્ય ગણાય. મહિલા કોર્પોરેટર અને ભાજપના મહિલા કાર્યકર માસ્ક વગર જ આ રીતે ફોટો પડાવ્યા અને ફરતાં હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં ગ્રીન કવર વધારવા માટે અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક મિની જંગલ ઉભું કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોતા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન પ્લોટમાં જાપાની મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવનારા 65000 વૃક્ષો માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉદ્ઘાટનની તકતીનું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાંથી મુખ્યમંત્રીના ગયા બાદ હાજર ભાજપના નેતાઓ અને કાર્યકરો તકતી પાસે ફોટો પડાવવાનું શરૂ કર્યું હતું.