૧૪ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને ૧૫ જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ એમ પતંગનું આ બે દિવસનું પર્વ પક્ષીઓ માટે ઘાતક સાબિત થયુ હતું.કોટ વિસ્તારમાં આવેલા ખાડિયા રાયપુર દરિયાપુર કાલુપુર ઉપરાંત શાહપુર થી લઈને છેક નરોડા અને નારોલ સુધીના તમામ વિસ્તારોમાં પતંગ રસિયાઓએ પ્રતિબંધિત એવી ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડતા ૫૦૦ થી પણ વધુ અબોલ પક્ષી ઘાયલ થવા પામ્યા હતા ચાઈનીઝ બનાવટોનો બહિષ્કાર કરવાની જાહેરાત માત્ર કાગળ ઉપર જ રહેતા બે દિવસનું આ પતંગ પર્વ અબોલ પક્ષીઓ માટે ઘાતક થઈને રહ્યુ હતું.અમદાવાદમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનિમલ હેલ્પલાઈન ઉપર ૧૪ તથા ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘાયલ પક્ષીનો બચાવ કરવા કે તેને તરત જ સારવાર આપવા માટેની સહાય માંગતા ૧૩૦ થી પણ વધુ ફોન આવ્યા હોવાની માહિતી મળી છે.૧૪ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરીની બપોર સુધીમાં પક્ષીઓના બચાવને લઈને ૫૦ થી પણ વધુ ફોન દરિયાપુર,શાહપુર અને આસપાસના વિસ્તારમાંથી મળ્યા હતા.
અમુક પક્ષી ચાઈનીઝ દોરીના કારણે ખુબ ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘાયલ પક્ષીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું.છેલ્લા કેટલાક વર્ષોથી ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવે છે આમ છતાં પણ વર્ષોવર્ષ ચાઈનીઝ દોરીનો વપરાશ વધતો જતો હોવાથી અબોલ પક્ષી ચાઈનીઝ દોરીથી ગંભીર રીતે ઘાયલ થતા હોવાનું પ્રમાણ પણ વધી રહ્યુ હોવાનું માનવું છે.અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી બપોર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી અમદાવાદમાં પક્ષીઓના રેસ્કયૂને લઈ ૨૦૩થી પણ વધુ ફોન આવ્યા હતા.નવા નરોડા વિસ્તારમાં ૧૫૦ થી પણ વધુ પક્ષીઓના બચાવ સંસ્થા દ્વારા બચાવ કરી પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હોવાની માહિતી પણ મળી છે.