અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં જે પ્રમાણે કોરોના વાયરસ ના આંકડા છુપાવવા નો ખેલ ચાલતો હતો તે પ્રમાણે હવે અમદાવાદ મનપા દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસોના આંકડા છુપાવવા નો ખેલ શરૂ કરવામા આવ્યો છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, અને શહેરમાં તમામ વિસ્તારમાં છેલ્લા 21 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10 હજારથી વધારે કેસ નોંધાયા છે. પણ મ્યુનિ. માત્ર 197 કેસ હોવાનું સત્તાવાર રીતે જણાવે છે. મ્યુનિ.ની શારદાબેન અને એલજી હોસ્પિટલના આંકડા જોઇએ તો ત્યાં એક દિવસમાં મચ્છરજન્ય રોગચાળાના 174 કેસ સામે આવ્યા છે જે મ્યુનિ.ના 21 દિવસના આંકડા કરતાં વધુ છે. કોરોના બાદ હવે મ્યુનિ. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના આંકડા પણ છુપાવી રહી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોજના 400થી 500 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. આમ 20 દિવસમાં શહેરમાં 8થી 10 કેસ નોંધાયા છે. મ્યુનિ. હોસ્પિટલ કમિટીએ પણ દવાનો પૂરતો સ્ટોક રાખવા હોસ્પિટલોને સૂચના આપી છે.
અત્યારે શહેરમાં પશ્ચિમના વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વના વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં ખૂબ જ મોટાપાયે વધારો થયો છે. જોકે તંત્ર દ્વારા પોતાની નિષ્ફળતાં છૂપાવવા માટે માત્ર ક્ષુલ્લક કેસ આવતાં હોવાનું દર્શાવાય છે. ઓગસ્ટના 21 દિવસમાં ડેન્ગ્યુના 130, ચિકનગુનિયાના 67 કેસ આવ્યા હોવાનું સત્તાવાર રીતે મ્યુનિ.એ જાહેર કર્યું છે. ખરેખર શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના મ્યુનિ.એ સત્તાવાર જાહેર કરેલા કેસ કરતાં 500 ગણાં વધારે કેસ હોવાનું જણાઇ રહ્યું છે.
શહેરની લેબોરેટરી ચેઈન ધરાવતી બેથી ત્રણ લેબોરેટરીના આંકડા મુજબ 20 દિવસમાં 400થી વધુ કેસ નોંધાયા છે. મ્યુનિ. હોસ્પિટલ કમિટીમાં ચેરમેન પરેશ પટેલ સમક્ષ હોસ્પિટલો દ્વારા રજૂ થયેલા આંકડા પ્રમાણે એલજીમાં રોજના 3 હજારથી વધુ કેસની ઓપીડી છે ત્યાં મચ્છરજન્ય રોગચાળાના 104થી વધુ અને શારદાબેનમાં જ્યાં રોજની 2000થી 2400ની ઓપીડી છે ત્યાં પણ 74 મચ્છરજન્ય રોગના કેસ આવે છે.
આ રીતે નોંધાય છે મચ્છરજન્ય રોગના આંકડા
મ્યુનિ. સંચાલિત તમામ અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, 180 જેટલી અન્ય હોસ્પિટલ, તથા શહેરની લેબોરેટરીઓ, ખાનગી લેબોરેટરી, ખાનગી તબીબો સહિત તમામ સ્થળેથી મ્યુનિ. તંત્ર સત્તાવાર રીતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાના આંકડા લેવામાં આવે છે. જેને આધારે શહેરમાં રોગચાળો કેટલો ગંભીર છે તે જણાવીને તત્કાલ પગલા લેવામાં આવે છે. કોરોના કેસની જેમ મ્યુનિ.એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસના આંકડા પણ છુપાવવાનું શરૂ કર્યું છે. મ્યુનિ. હેલ્થ કમિટીએ પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વધી રહેલા કેસને જોતાં નાગરિકોને સરળતાથી બેડ મળી તે રીતે વ્યવસ્થા ગોઠવવા તેમજ તેમજ દવાનો જથ્થો વધારે રાખવા તેમજ ફોગિંગ વધારવા માટે સૂચના આપી છે. બીજી બાજુ સાદા, ઝેરી મેલેરિયાના કેસ પણ નોંધાઈ રહ્યા છે.
પશ્ચિમમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ
શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. તેમાંય પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળે છે. ચિકનગુનિયાના કેટલાંક દર્દીને ઊંચકી લાવવા પડે તેવી સ્થિતિ જોવા મળતી હોવાનું ડોક્ટરો જણાવી રહ્યાં છે. હાલમાં ડબલ ઋતુના કારણે તાવ, શરદી, ખાંસીના પણ સંખ્યાબંધ કેસ નોંધાયા છે.
અઠવાડિયામાં SVPમાં ડેન્ગ્યુના 12, ચિકનગુનિયાના 7 દર્દી દાખલ
મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 12 દર્દી જ્યારે ચિકનગુનિયાના 7 દર્દી દાખલ થયા છે. વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મનિષ પટેલે જણાવ્યું કે, સારવાર માટે આવતા દર્દીઓનો ડેટા કોર્પોરેશનમાંથી જ મળી શકશે. અમારી પાસે ડેટા નથી.
ઘરમાં એરકુલર, કુંડા સહિતની જગ્યા મચ્છરોના ઉદભવસ્થાન
સામાન્ય રીતે મ્યુનિ. મચ્છરો શોધવા માટે ઘરમાં ફરે છે. ત્યારે ઘરની અંદર મચ્છરોના બ્રીડિંગ મુખ્યત્વે એરકુલર, રેફ્રિજરેટર અને મની પ્લાન્ટમાં મચ્છરોના બ્રીડીંગ મળે છે. જ્યારે ઘરની બહાર કુંડા, છાપરા પર મૂકેલા ટાયરો કે પ્લાસ્ટિક ભંગાર, અંડરગ્રાઉન્ડ ટાંકી, બંધ પડેલા શૌચાલયોમાં મચ્છરોના બ્રીડિંગ મળતાં હોય છે.
છેલ્લાં બે અઠવાડિયાંથી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના રોજના 20થી 25 કેસ આવે છે
છેલ્લાં બે અઠવાડિયાથી ક્લિનિકમાં રોજના 20થી 25 ચિકનગુનિયા અને ડેન્ગયુુના કેસ જોવા મળે છે. મોટાભાગના દર્દી તાવની સાથે સાંધાના દુખાવો, વાઈરલ તાવની ફરિયાદ સાથે આવે છે. જેમાંથી ચિકનગુનિયાના કેસમાં તાવની સાથે સાંધા જકડાઇ જવાની તકલીફ વધુ જોવા મળે છે. – ડો. પ્રવીણ ગર્ગ, એમ.ડી. ફિઝિશિયન, મેમનગર
બાળકોમાં ડેન્ગ્યુનું પ્રમાણ સૌથી વધુ
મોટા લોકોની સરખામણીએ બાળકોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. રોજની ઓપીડીમાં આવતા સરેરાશ 10 દર્દીમાંથી 5 બાળકોમાં ડેન્ગ્યુ જોવા મળે છે. બે અઠવાડિયા પહેલા ચિકનગુનિયાની ફરિયાદ સાથે બાળકો આવી રહ્યા હતાં. સિવિયર બ્રોન્કાઈટિસ અને વાઈરલ ન્યુમોનિયાના દર્દી પણ વધ્યા છે. – ડો. જિગ્નેશ મોદી, બાળ નિષ્ણાત તબીબ, પાલડી
સિવિલની OPDમાં પણ રોજના 50 કેસ
સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં છેલ્લાં 15 દિવસથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના રોજના 50થી 60 જેટલાં કેસ નોંધાય છે. કોરોના કેસ ઘટ્યા બાદ સિવિલની ઓપીડીમાં આવતાં લોકોની સંખ્યા વધી છે. – ડો. જયપ્રકાશ મોદી, સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ
બોપલ, શીલજ, ઘુમામાં ચિકનગુનિયાના સૌથી વધુ કેસ, 15માંથી 7 પોઝિટિવ આવે છે
બોપલ, શીલજ અને ઘુમા વિસ્તારમાં સૌથી વધુ ચિકનગુુનિયાના કેસ જોવા મળે છે. હોસ્પિટલમાં ચિકન ગુનિયા, ડેનગ્યુ અને મેલેરિયાના દર્દી જોવા મળે છે. 15માંથી 5થી 7 દર્દી પોઝિટીવ આવે છે, જેમાં ચિકનગુનિયા હોવાનું નિદાન વધુ થાય છે.