રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે.
ક્યારે ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
શહેરમાં શનિવારે મણિનગર, સીટીએમ, જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો પાલડીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ચકુડિયા, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉપરાંત મેમ્કો, નરોડા અને કોતરપુર વિસ્તારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે.
ચોમાસાને વિદાય લેવી ગમતી ન હોય તેમ આસોમાં પણ મેઘધારા વહેવાનું શરૂ રહ્યું છે. શનિવારે ગોંડલ શહેરમાં દોઢ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં માર્ગો પર નદીઓ વહી હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતરો ચેકડેમ જેવા બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધોરાજીમાં પણ 1.5 ઇંચ અને જસદણમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં અસહ્ય બફારાથી અકળાતા લોકોને રાહત મળી હતી. કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઇંચ અને મોટીમારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. આટકોટ 1 ઇંચ વરસાદ સાથે ભીંજાયું હતું. મધ્ય ગીરમાં ચાર ઇંચ સુધી વરસાદ થયો હતો, જ્યારે સાસણ ગીર જંગલમાં 3 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ અને કેશોદમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.