ગાંધીનગર વિજીલન્સની ટીમને અમદાવાદ શહેરના નાના જુગારના અડ્ડા દેખાય છે પણ સાબરમતી અને ચાંદખેડામાં ચાલતા બાબુ દાઢીના અડ્ડા કેમ ના દેખાયા ? જનતામાં ઉઠ્યા સવાલ !
અમદાવાદમાં એક સપ્તાહમાં બીજી વખત ગાંધીનગરથી ડીજીપીના તાબા હેઠળ ચાલતી વિજિલન્સની ટીમે જુગારધામ પર રેડ કરી છે. અગાઉ નરોડામાં વિજિલન્સની ટીમે જુગારધામ પર રેડ કરી હતી. હવે વાડજ વિસ્તારમાં ચાલતા બાબુ મારવાડીના જુગારધામ પર વિજિલન્સની રેડ થઈ છે. ત્યારે હવે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોવાનું સાબિત થઈ રહ્યું છે. અગાઉ શહેરમાં થયેલી મનપસંદ ક્લબ બાદ ફરી જુગારધામ ધમધમતા થયાની જાણ વિજિલન્સની ટીમને મળી છે. હાલ આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .
સ્થાનિક પોલીસની જાણ બહાર રેડ થઈ
શહેરના વાડજ વિસ્તારમાં ચાલતા વરલી મટકાંના જુગારધામ પર ગાંધીનગરની વિજિલન્સ ટીમે રેડ કરી છે. જૂના વાડજના મોચીવાસમાં બાબુ મારવાડી નામનો શખસ વરલી મટકાનો જુગાર ચલાવતો હતો. જે અંગે સ્થાનિક પોલીસની જાણ બહાર ગાંધીનગરથી આવેલી વિજિલન્સની ટીમે રેડ કરી છે.
વિજિલન્સે રૂ. 77 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
વિજિલન્સની ટીમે રેડ કરીને 14 આરોપીને 77 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ અંગે હાલ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજી બે દિવસ પહેલા નરોડામાં વિજિલન્સએ જુગારધામ પર રેડ કરીને 8 આરોપીની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની જાણ બહાર બન્ને પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામની જાણ છેક ગાંધીનગર સુધી થઈ છે.