કોરોનાકાળમાં ચારે બાજુ કહેર છે ત્યારે સામાન્ય માણસ તો શું તંત્ર પણ એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિમાં છે. ગતરોજ ક્રાઈમ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું કે 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમબર સુધી ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરશે. પરંતુ પરિપત્ર વાયરલ થયા બાદ આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સમગ્ર પરિપત્ર ફેક હોવાનું કહ્યું અને યુ ટર્ન લીધો.
કોરોનાનો કપરો કાળ સાથે ચોમાસાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોના રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થાય તેવું વાતાવરણ ઉભું થયું હતું. ત્યારે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરોમાં નહીં પરંતુ હાઇવે ઉપર પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ કરવામાં આવશે.
શહેરના રોડ રસ્તાઓ ઉપર પહેલાની માફક પોલીસ હેલ્મેટ નહીં પહેરેલા વાહન ચાલકો પાસે દંડ તો લેશે પરંતુ મુખ્ય ધ્યેય રાજ્યના હાઇવે ઉપર ચાલતા વાહનો ઉપર ધ્યાન રાખવાનું થશે. ગુજરાત પોલીસ હવે શહેરો નહીં પરંતુ હાઇવે ઉપર હેલ્મેટ ડ્રાઇવ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા 7મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કમિટી ઓફ રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગેની કામગીરીની સમીક્ષા માટે એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં રાજ્યોમાં બનતા રોડ અકસ્માતમાં હેલ્મેટ ના પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુ દર અને ગંભીર રૂપે ઘાયલ થવાનો દર જોવા મળ્યો. ત્યારે રાજ્યોમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે જરૂરી પગલાં ભરવા નક્કી કરવામાં આવ્યું હતું.