દહેજના ખપ્પર માં હોમાઈ એક પરિવારની દીકરી ! પતિ દ્વારા કરવામાં આવતા દહેજ ના ત્રાસ થી પત્નીએ જીવનને કર્યું અલવિદા ! ક્યાં સુધી દીકરીઓ દહેજના ખપ્પર માં હોમાતી રહેશે ? સરકાર દ્વારા લગાવવામાં આવેલા કડક કાયદા નો કેમ નથી રહ્યો ડર ?
અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આજે પણ દહેજ અને પહેરવેશ માટે પરિણીતાને પરેશાન કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પટનાના નાના ગામમાંથી 3 મહિના પહેલાં અમદાવાદ લગ્ન કરીને આવેલી પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માગણી કરતા એટલું જ નહીં તેના પહેરવેશ માટે મેણા મારતા હતા. સતત માનસિક ત્રાસમાં રહેતી પ્રીતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સંસાર શરૂ કરવાના બદલે જિંદગીને અલવિદા કરી
પટનાના નાના એવા ગામમાં રહેતી પ્રીતિ લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવી હતી પણ પરીવારને એ ખબર ન હતી કે ત્યાં તેને સતત ત્રાસ આપવામાં આવશે. પ્રીતિને પતિનો પ્રેમ કે સાસરિયામાં સુખ નહીં પરંતુ મોત મળ્યું છે. અમરાઈવાડીમાં રહેતી પ્રીતિ સિંગએ દહેજના લાલચુ પતિ અને સાસરિયાના ત્રાસથી 26 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો હતો. ત્રણ મહિનાના લગ્ન જીવનમાં જ પ્રીતિએ સંસાર શરૂ કરવાના બદલે જિંદગીને અલવિદા કરી લીધી હતી.
બહેનના આપઘાતના સમાચાર મળતા પરિવારમાં આઘાત
બિહારના પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે પતિ અને સાસરિયાંના દહેજની સતત માંગણી અને માનસિક ત્રાસના કારણે જ પ્રીતિએ આપઘાત કર્યો છે. જેથી અમરાઈવાડી પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ દુષપ્રેરણનો ગુનો નોંધ્યો છે.
પહેરવેશને લઈને પરિણીતાને હેરાન કરવામા આવતી
પ્રીતિના લગ્ન અમદાવાદના નવનીત રાજપૂત સાથે તાજેતરમાં 14 મેં 2021ના રોજ થયા હતા. પ્રીતિના પરિવારે ધામધૂમથી લગ્ન કરીને હસીખુસી વિદાય કરી હતી. નવનીત ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિ પટનાના ગામડાની રહેવાસી હતી. જેથી પહેરવેશને લઈને તેને હેરાન કરવામા આવતી હોવાનો આક્ષેપ પરિવાર કર્યો હતો.
પરિણીતાએ પોતાની વેદના મોટા ભાઈને કહી હતી
પતિ નવનીતને લક્ઝુરિયસ કાર અને તેની સાસુ ઉર્મિલા સિંગ, નણંદ મમતા સિંગ અને જેઠ પ્રવિણ સિંગને પાંચ લાખ રૂપિયા જોઈતા હતા. જેથી લગ્નના એક માસ બાદ પ્રીતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પ્રીતિએ પોતાની વેદના મોટા ભાઈને કહી હતી પરંતુ ભાઈએ પણ દહેજ આપશે તેવી વાત કરીને સમય માંગ્યો હતો. પોતાના ભાઈની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાની જાણ પ્રીતિને હતી.
સાસરિયાંઓ ઘરે તાળું મારી ફરાર થઈ ગયા
લાલચુ સાસરિયાનો ત્રાસ સહન નહીં થતા પ્રીતિએ આપઘાત કરી લીધો હતો. અમરાઈવાડી પોલીસે પ્રીતિના આપઘાતને તપાસ શરૂ કરી છે. પ્રીતિના આપઘાત બાદ તેનો પતિ અને સાસરિયાં પક્ષના લોકો ઘરે તાળું મારી ફરાર થઈ ગયા છે. અમરાઈવાડી પોલીસ પ્રીતિના પતિ નવનીત સિંગ રાજપૂત, જેઠ પ્રવીણ સિંગ, સાસુ ઊર્મિલાબેન અને નણંદ મમતા વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા, શારીરિક માનસિક ત્રાસ અને ગુનાહિત મદદરૂપની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે શોધખોળ શરૂ કરી છે.