અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે 8 ફાયરફાઈટરની મદદથી 45 મિનિટ બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ ભયકંર બની હતી. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
માહિતી મુજબ આજે બપોરે રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા જ થોડી જ વારમાં ભયકંર સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગને પગલે 6 ફાયર ફાઇટર 1 હાઇડ્રોલીક મશીન અને 2 એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 45 મિનિટમાં આગ કાબુમાં આવી ગઈ હતી. હાલમાં ઘટનાસ્થળે કુલીગની કામગીરી થઈ રહી છે. આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કલાક માટે રોડ બંદ કરી દેવાની ફરજ પડી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.