હાલના સમયમાં મોબાઈલમં ગેમ રમવાની આદત માતા પિતા માટે મોટી આફત બની ગઈ છે. અમદાવાદમાં મોબાઈલ ગેમની લત લાગી જતાં સગીરા ઘર છોડીને ભાગી જતી હતી. ઘરના સભ્યોએ સગીરા પાસેથી મોબાઈલ લઈ લેતાં તેણે મિત્રો પાસેથી મોબાઈલ મંગાવીને ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આવી હરકતોથી સગીરાનું ભણવાનું પણ બંધ થઈ ગયું હતું. જેના કારણે સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. સગીરાનું કાઉન્સેલીંગ કરીને તેને મોબાઈલનો ઉપયોગ નહીં કરવાની સમજ આપી હતી. માતા-પિતાને પણ સગીરાનું ફરી સ્કુલમાં એડમિશન કરાવી ભણતર ચાલુ કરાવવા જણાવ્યું હતું.
સગીરા વારંવાર ખોટુ બોલી ઘરમાંથી જતી રહે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181ની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારી દીકરી પબજી ગેમના રવાડે ચડી ગઈ છે. ઘરના તમામ સભ્યો સાથે ઝઘડા કરે છે અને ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં સગીરાના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની 16 વર્ષીય દિકરી અવાર નવાર ઘરેથી ખોટુ બોલી નિકળી જાય છે.
તેના માતા-પિતા તેને સમજાવે તો ઘરમાં જોર જોરથી બુમો પાડીને પરીવારના સભ્યો સાથે ઝઘડો કરે છે. તેની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે તો ઘરેથી ભાગી જવાની ધમકી આપે છે. કોઈ પણ રીતે તેના મિત્રનો મોબાઈલ લઈ આવે છે અને પબજી ગેમ રમવા લાગે છે. તેના મિત્રો સાથે ફર્યા કરે છે એટલુ જ નહીં તેને મોબાઈલમાં પબજી ગેમ રમવાની લત લાગી ગઈ હોવાથી આખો દિવસ પબજી ગેમ રમ્યા કરે છે.
સગીરાની આવી હરકતોના કારણે સગીરાના માતા-પિતાએ તેનુ ભણવાનું બંધ કરાવી દીધુ હતુ. તેને સમજાવવા છતાં ન માનતા પબજીની આદત છૂટતી ન હોવાથી મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. હેલ્પલાઇનની ટીમે 16 વર્ષીય સગીરાનું કાઉન્સેલીંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવાનું સમજાવ્યું હતું. માતા-પિતાને તેમની સગીર દિકરીને ભણવા માટે પરત સ્કૂલમાં એડમીશન લેવા માટે જણાવી દીકરીને ગેમની આદતમાંથી છોડાવી હતી.