સસરાનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે તેઓ બેકાર ઘરે બેઠા હતા. તે સમયે ધંધો ન હોવાથી નાણાંની અછત વર્તાઈ હતી.
શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, જ્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન થયું હતું ત્યારે તેના સસરાનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે તેઓ બેકાર ઘરે બેઠા હતા. તે સમયે ધંધો ન હોવાથી નાણાંની અછત વર્તાઈ હતી. જેથી તેના સસરા તેને પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરી ત્રાસ આપતા હતા અને ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
નિકોલ ન્યુ ઈન્ડીયા કોલોની ખાતે રહેતી 22 વર્ષીય યુવતીના વર્ષ 2019માં લગ્ન થયા હતા. હાલ તે તેના પતિ, સાસુ અને સસરા સાથે રહે છે. લગ્ન સમયે તેના પિતાજીએ યથાશક્તિ પ્રમાણે દહેજમાં દાગીના અને ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્ન બાદ તે સાસરે રહેવા ગઇ હતી ત્યારે તેના સસરા ઓઢવ ખાતે ધંધો કરતા હતા. પરંતુ લૉકડાઉનના કારણે તે ધંધો બંધ થઈ ગયો હતો અને બાકરોલ ખાતે હાલ તેઓ નવો ધંધો શરૂ કરવાના હતા. પણ તેમને આર્થિક સંકળામળ નડતી હોવાથી તેઓ બાકરોલ ખાતે નવો ધંધો શરૂ કરી શક્યા ન હતા.
જેના કારણે આ પરિણીતાના સસરા અને પતિ ઘરે જ રહેતા હતા અને ઘરખર્ચના કારણે તેના સસરા ચારેક માસથી અવારનવાર આ પરિણીતા સાથે ઝઘડો કરી તેને બીજું દહેજ લઈ આવવા માનસિક ત્રાસ આપતા હતા અને સાથે સાથે બિભત્સ શબ્દો પણ બોલતા હતા.
જો પરિણીતા દહેજ ન લાવે તો તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ પણ તેના સસરા આપતા હતા. પરિણીતાનો પતિ તેના પિતાને સમજાવતો હતો, પરંતુ પરિણીતાને ત્રાસ આપવાનું તેના સસરાએ ચાલુ રાખ્યું હતું. જેથી કંટાળીને પરિણીતાએ ઉધઈ મારવાની દવા પી લીધી હતી.
જેના કારણે તેને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા નિકોલ પોલીસે પરિણીતાની તેના સસરા સામે ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે.