અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસુ-સસરા, તું જાડી છે તારે ખાવાની શું જરૂર છે? તું રંગથી નહીં પણ ગુણથી પણ સારી નથી. કહીને પરિણીતાને મેણાં મારતા હતા. આટલું જ નહીં નાની નાની વાતમાં ઝઘડા કરી અને બોલચાલી કરતા હતા. જેથી ઝઘડાથી કંટાળીને પરિણીતા પિયર જતી રહી હતી. બાદમાં મહારાષ્ટ્રમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાને સાસરિયાઓ તેડી ન જતાં તેણે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2017માં અમદાવાદની મહિલાના પુનાના યુવક સાથે લગ્ન
ઓઢવ વિસ્તારમાં 24 વર્ષીય પરિણીતા બે મહિનાથી તેના માતાપિતા અને ભાઈ સાથે રહે છે. વર્ષ 2017માં મહારાષ્ટ્રના પુના ખાતે રહેતા યુવક સાથે તેના લગ્ન થયા હતા. યુવતી લગ્ન બાદ સાસુ-સસરા અને પતિ સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. લગ્નજીવન દરમ્યાન તેઓને એક બાળકીનો પણ જન્મ થયો હતો. સાસુ-સસરા અને પતિ સાથે મળી નાની નાની બાબતોમાં યુવતી સાથે ઝઘડા કરતા હતા. સાસુ-સસરા કહેતા હતા કે, તું જાડી છે તારે ખાવાની શું જરૂર છે?, તું અમને ગમતી નથી, તું રંગથી નહીં પણ ગુણથી પણ સારી નથી. જ્યારે પતિ નશો કરીને આવતો અને ઘરખર્ચ માટે મજૂરી કામ માટે મહિલાને મોકલવામાં આવતી.
સાસુ-સસરા જમવાનું પણ નહોતા આપતા
વર્ષ 2019માં સાસુ-સસરા ખાવા પીવા પણ આપતા ન હતા, અને તું તારા પિયર જતી રહે એમ કહેતા હતા. આટલું જ નહીં પરિણાતાને મજૂરી કામ કરવા મોકલતા હતા, જેથી તે પિયર આવતી રહી. એક વર્ષ સુધી તેને લેવા કોઈ ન આવ્યું. બાદમાં તેને સમાધાન કરી સાસરે લાવ્યા હતા છતાં પણ ફરીથી વર્તનમાં સુધારો આવ્યો ન હતો. પરિણીતાને સાથે મારઝૂડ કરી પહેરેલા કપડે કાઢી મૂકતાં તેણે મહારાષ્ટ્રના પુણે ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અમદાવાદ માતા-પિતાના ઘરે આવી ગઈ હતી અને મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.