કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાઇ ચૂક્યો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધ કોરોનો પોઝિટિવ થયા હતા. તેમના સેમ્પલ પૂણે મોકલાયા હતા. તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું શનિવારે કન્ફર્મ થયું હતું. આ સાથે જ ગુજરાત સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આમ છતાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આજે અમદાવાદની AMTSમાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. બસમાં પ્રવાસીઓ દ્વારા ઓમિક્રોનની કોઈ ગંભીરતા ના હોય એ રીતે ચડાવવામાં આવ્યા હતા.
શહેરની ગુજરાત કોલેજ પાસે એક AMTS બસનો વિડિયો સામે આવ્યો છે. જેમાં કોઈ કોમેડી ફિલ્મમાં લોકોને ધક્કા મારીને બસમાં ઘુસાડતા હોય તેમ લોકોને બસમાં ઘુસાડવામાં આવ્યા હતા. જેમાં ન કોઈ ગાઈડલાઈન કે ન કોઈ ચેકિંગ. બસ જાણે ટાર્ગેટ પૂરો કરવા મુસાફરોને બસમાં ધકેલવામાં આવી રહ્યા છે.
ગુજરતા કોલેજ સામે આવેલા AMTS બસ સ્ટેન્ડમાં એક બસ ઉભી હતી. જેમાં મુસાફર સમાતા નથી, ત્યારે બસ ચાલક નીચે ઉતરીને મુસાફરોને ધક્કો મારીને બસમાં ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ હાલ કોરોનાથી સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વીડિયો તમામ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યો છે. હવે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો આવા કારણો જવાબદાર બની શકે છે.
12 નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવાનો નિર્ણય કર્યો હતો.