અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આગામી 24 જૂનથી એસજી હાઇવે પરની કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી એટલે કે કુલ 22.7 કિ.મી. સુધીના રૂટ પર એસી બસની શટલ સર્વિસ શરૂ કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દેશભરમાં સૌપ્રથમ વખત એરપોર્ટને સાંકળતી શહેરી બસ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે.
તંત્ર દ્વારા શરૂ થનારી આ એરપોર્ટ બસ શટલ સર્વિસને એરપોર્ટ શટલ સર્વિસ રૂટ નં. 1000 નામ આપવામાં આવ્યું છે. આ સેવામાં મુસાફરો કર્ણાવતી કલબથી એરપોર્ટ સુધી માત્ર 50 રૂપિયામાં મુસાફરી કરી શકશે. સવારના 4 વાગ્યાથી રાતના 10:45 સુધી ઉતારુઓને દર અડધા કલાકે એસી બસ મળશે. પ્રારંભમાં આ રૂટ પર પાંચ બસ અને ત્યારબાદ વધુ એક બસ મૂકીને કુલ છ બસ રૂટ પર સેવા આપશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ વધુમાં કહે છે, “જનમાર્ગની બસમાં ₹ 1.25 લાખનો ખર્ચ કરીને તેને વધુ ઉતારુલક્ષી બનાવવામાં આવી છે.”
એરપોર્ટ શટલ સર્વિસ બસમાં રહેશે આ સુવિધાઓ:
આર્જવ શાહ જણાવે છે કે, “આ એસી બસમાં આરામદાયક કુશન પર 28 મુસાફરો બેસી શકશે, જ્યારે 36 મુસાફરો ઊભા રહી શકશે. સામાન માટે 40 કમ્પાર્ટમેન્ટની પણ વિશેષ વ્યવસ્થા છે. ઉતારુઓને વાઇફાઇની સુવિધા સાથે બસમાં મુકાયેલા એલઇડી ટીવીમાં એરપોર્ટ પર આવતી કે જતી તમામ ફલાઇટની સચોટ અને પૂર્ણ માહિતી તત્કાળ આપવામાં આવશે.”
એરપોર્ટ શટલથી મુસાફરી કરનારા ઉતારુઓને દસ કિ.મી. સુધી ₹ 30 ભાડું અને ત્યારબાદ ₹ 50 ભાડું ચૂકવવાનું રહેશે. બસમાં કન્ડકટર જ ખાસ પ્રકારના હેન્ડલ ટિકિટિંગ મશીનથી ઉતારુઓ પાસેથી ભાડું લેશે. ઉતારુ ‘જનમિત્ર’ કાર્ડથી પણ ભાડું ચૂકવી શકશે તેમજ ડ્રાઇવર અને કન્ડકટર હળવા વાદળી રંગનું શર્ટ અને ઘેરા વાદળી રંગના પેન્ટનો યુનિફોર્મ પહેરીને ફરજ બજાવશે.
પિકઅપ અને ડ્રોપ સ્ટેશન:
- કર્ણાવતી કલબ
- હોટલ રોયલ પ્લાઝા
- ઇસ્કોન ક્રોસ રોડ
- રામદેવનગર
- ઇસરો
- સ્ટાર બજાર
- જોધપુર
- શિવરંજની
- ઝાંસી કી રાણી
- નહેરુનગર
- સીએન વિદ્યાલય
- લો ગાર્ડન
- યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ
- ગુજરાત કોલેજ
- ટાઉનહોલ
- નટરાજ સિનેમા
- માઉન્ટ કાર્મેલ સ્કૂલ
- ઇન્કમટેકસ
- ગુજરાત વિદ્યાપીઠ
- ઉસ્માનપુરા
- વાડજ ટર્મિનસ
- ગાંધી આશ્રમ
- સુભાષબ્રિજ સર્કલ
- પોલીસ સ્ટેડિયમ
- શાહીબાગ અન્ડર બ્રિજ
- સર્કિટ હાઉસ
- ડફનાળા
- એસીબી ઓફિસ
- એરપોર્ટ