સિવિલ હોસ્પિટલમાં ગત બુધવારે સાંજે 4.30 વાગ્યે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે ઘૂમામાં પથિકા પાસે રહેતા રસુલ ચૌહાણ અને એક યુવતી ચાર દિવસની બાળકીને લઈ આવ્યા હતા. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી A/5 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રસુલ ચૌહાણે ફરજ પરના સ્ટાફને યુવતીને પણ ગાયનેક વોર્ડમાં બતાવાનું હોવાથી ત્યાં જઈને આવીએ તેમ જણાવ્યું હતું. ગાયનેક વોર્ડમાં ગયેલા રસુલ અને યુવતી બંને ઘણા સમય સુધી પરત ના આવતા સ્ટાફે તપાસ કરી પણ બાળકીના વાલીઓ મળી આવ્યા ન હતા.
આ બાબતની જાણ શાહીબાગ પોલીસને કરતા પોલીસે રસુલ ચૌહાણ નામના યુવક અને તેની સાથે આવેલી યુવતી વિરુદ્ધ ગુરુવારે ગુનો દાખલ કર્યો હતો. તપાસનિશ અધિકારી PSI એ.એ.વાઘેલાએ જણાવ્યું હતું કે, બાળકી ચાર દિવસની છે. તેનો જન્મ અન્ય જગ્યાએ થયો છે. બળકીના જન્મ અંગે પણ તેણે લઈ સિવિલ હોસ્પિટલ આવેલા રસુલ ચૌહાણ કે યુવતી પાસે કોઈ પુરાવા ન હતા. બાળકીને તરછોડી ગયેલા બંને આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ અને બંનેને શોધવાના પ્રયાસ ચાલુ છે.