અમદાવાદ બંદોબસ્તના નામે કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ખાનગી લોકોને રાખીને તોડપાણી કરતાં હોય છે. નિકોલના એક પોલીસ અધિકારીના ખાનગી વહિવટદાર મુકેશસિંહે થોડા દિવસ પહેલા નિકોલ D-MART પાસેથી એક મિની ટ્રકને અટકાવીને રોકી હતી તેમાં 5 કૂલર કુબેરનગરના એક વેપારીના હતા અને તે કૂલરો એક એજન્સીમાં મોકલાવવાના હતા. સતત ગરમીમાંથી રાહત મેળવતી પોલીસને ઠંડક મળે તે હેતુથી એજન્સીની ઓફિસમાં મોકલવા માટે લઇ જતાં હતા. વેપારીએ મુકેશસિંહને જાણ કરી છતાં કૂલરો ઉતારી લીધા હતા. આખરે એજન્સીના ઉચ્ચ અધિકારીએ નિકોલ પી.આઇને વાત કરી હતી. છતાં 5માંથી માત્ર 3 કૂલર જ પરત કર્યા હતા. આ બાબતની જાણ ઝોન 5ના ડીસીપી રવિ તેજાને થતાં તાત્કાલિક તપાસ કરી મુકેશસિંહની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડ કરી છે. પી.આઇના ખાનગી વહિવટદાર અંગે અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી હતી પણ અધિકારીઓના આશીર્વાદથી તે લોકોને લૂંટતો રહેતો હતો.
નિકોલ પોલીસ સ્ટેશનમાં એવી પણ ચર્ચા છે કે નિકોલના પી.આઇ જ્યારથી આવ્યા છે ત્યારથી તેઓ પોતાની સાથે એક ખાનગી વ્યક્તિ મુકેશસિંહને લઇને આવ્યા છે. મુકેશસિંહ પોલીસકર્મી ન હોવા છતાં પોલીસમાં નોકરી કરતો હોય તે રીતે જ કામ કરતો હતો. આ ઉપરાંત નિકોલ પોલીસની તમામ વાતની જાણ પી.આઇને કરી દેતો હતો જેના કારણે તે પોલીસ સાથે અંદરખાને દુશ્મની થઇ ગઇ હતી. નિકોલ પોલીસને મુકેશસિંહ આંખના કણાની જેમ ખૂંચતો હતો. જેથી પોલીસમાં બે ભાગલા પડી ગયા હતા. આ અંગેની તમામ માહિતી ડીસીપી ઝોન-5ના રવિ તેજાને મળતી હતી. જોકે, અઠવાઠીયા પહેલાં કુબેરનગરના વેપારીએ એજન્સીમાં સેવાના ભાગરૂપે મોકલેલા કૂલર લઇ લેતાં મુકેશસિંહ વિવાદમાં આવી ગયો હતો. તેના વિરોધીઓ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા હતા.
પોલીસ વિભાગ બદનામ થયો. લૉકડાઉનના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ ખડેપગે છે. કોરોનાના સંક્રમણ સામે પણ પોલીસ પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત રાત-દિવસ કામગીરી કરી રહી છે. જેને પગલે સમગ્ર દેશમાં પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. પરંતુ કેટલીક જગ્યાએએ લૉકડાઉનનો લાભ ઉઠાવીને કેટલાક લોકો પોલીસ વિભાગને બદનામ કરવાનું કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
પોલીસ ફરિયાદ થતાં મામલો સામે આવ્યો. સુનીલ બદલાણી નામના વ્યક્તિએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે 29 મી એપ્રિલના દિવસે તેઓ પોતાની લોડિંગ રિક્ષામાં કૂલરો લઇને નિકોલ ડી માર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે કેટલાક લોકોએ તેમને અટકાવ્યા હતા અને રિક્ષાના કાગળો તેમજ કૂલરના બિલ માંગ્યા હતા. જોકે, ફરિયાદી પાસે બિલ ન હોવાથી બિલ મંગાવવા માટે માલિકને ફોન કર્યો હતો. જોકે, મુકેશસિંહ નામના વ્યક્તિએ તેનો મોબાઇલ લઇને પોતે નિકોલ પોલીસમાં હોવાની ઓળખ આપીને ધરપકડ કરી લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ મુકેશસિંહે ફરિયાદીને પોતાના કહ્યા પ્રમાણે રિક્ષા લઇ લેવાનું કહીને રિક્ષા રાજહંસ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં લઇ ગયો હતો. અહીં પાંચ કૂલર ઉતારી લીધા હતા.