મંગળવારના રોજ વસ્ત્રાપુરમાં રહેતા અને આશ્રમ રોડ પર આવેલી એક પ્રાઈવેટ બેન્ચના મેનેજર આશેશ ગુરંગ(ઉં.વ.-34)એ ઘરેલુ લડાઈને કારણે પોતાની પત્નીને છરો ભોંકી દીધો હતો. જેમાં તેની પત્નીનું અવસાન થયુ હતું.
આ કપલ પોતાના વતન ગુવાહાટીથી અમદાવાદ શિફ્ટ થયુ હતું. 11 મહિના પહેલા ગુરંગને બેન્ક તરફથી વસ્ત્રાપુરના સુર્યવંશી ટાવરમાં એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ પહેલા ગુરંગના લગ્ન થયા હતા અને લાંબા સમયથી તે લોકો રિલેશનશિપમાં હતા.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા કહે છે કે, ગુરંગ અને તેની પત્ની પ્રોનિતા(29) વચ્ચે બોલચાલ થઈ હતી અને તે સમયે ગરુંગ દારૂના નશામાં હતો. તેણે ગુસ્સામાં પોતાની પત્નીની છાતીમાં છરી ભોંકી દીધી હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. ગુરંગ તેને બાથરુમમાં લઈ ગયો અને લોહી સાફ કર્યુ. ત્યારપછી લગભગ બે કલાક સુધી તે દારુ પીતો રહ્યો.
લગભગ બે કલાક પછી તેણે પાડોશીઓને કહ્યું કે તેની પત્નીને ઈજા થઈ છે અને મદદ માંગી. બિલ્ડિંગમાં જ રહેતા ડોક્ટરે એમ્બ્યુલન્સ બોલાવવાની સલાહ આપી. એમ્બ્યુલન્સ આવી અને તેમણે પોલીસને આ વાતની જાણ કરી. પહેલા તો આરોપીએ પોલીસના પ્રશ્નોને ટાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ પછીથી ગુનો કબુલી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાડોશીઓનું કહેવું છે કે આ દંપત્તિ વચ્ચે અવારનવાર લડાઈ થતી રહેતી હતી. સોમવારે પણ ગુરંગની દારૂ પીવાની આદતને કારણે લડાઈ થઈ હતી. પ્રોનિતાએ ગુરંગની દારૂની બોટલ ફેંકી દીધી હતી, પરંતુ મંગળવારના રોજ ગુરંગ બુટલેગર પાસેથી બીજો દારૂ ખરીદી લાવ્યો હતો અને બન્ને વચ્ચે લડાઈ શરુ થઈ હતી.