અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એસ જી હાઇ વે ખાતે આવેલા કોર્પોરેટ બિલ્ડિંગના તેરમા માળે ચાલતા બોગસ કોલ સેન્ટર ઉપર રેડ કરીને કુલ ૩૨ વ્યક્તિ ની ધરપકડ કરી મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે સીપીયુ, લેપટોપ, રાઉટર અને રોકડ રકમ મળીને કુલ ₹ ૬.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાઇબર સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બાતમી મળી હતી કે, એસ જી હાઈ વે ઉપર આવેલી દિવ્ય ભાસ્કરની ઓફીસ સામે આવેલા ગોયલ પેલેડીયમ કોર્પોરેટ બિલ્ડીંગના તેરમા માળે હર્ષિલ રાવલ અને વિશાલ પંડ્યા નામના શખ્સો કેટલાક કર્મચારીઓ રાખીને અમેરિકન નાગરિકોને છેતરવા બોગસ કોલ સેન્ટર ચલાવે છે.
ગુરુવારે સવારે સાઇબર સેલે ગોયલ પ્લેડિયમના તેરમાં માળે દરોડો પાડ્યો હતો. ત્યારે ઘણાં લોકો કોમ્પ્યુટર ઉપર કામ કરતા હતા. તેની સઘન પૂછતાછ માં તેમણે કબુલ્યું હતું કે તેઓ બોગસ કોલ સેન્ટર ચલાવે છે. જેમાં હર્ષિલ અને વિક્રમ મુખ્ય છે. બાકીના કર્મચારીઓ છે.
તેઓ અમેરિકન નાગરિકો ને ફોન કરી ને તેમની ખોટી ઓળખ આપીને નાગરિકો ને કહેતા હતા કે ‘તેમને એક રેનટલ કાર મળી છે જે તેમના નામે રજીસ્ટર્ડ છે. તેના ઉપર લોહીના ડાઘ છે અને થોડું અફીણ પણ છે. જેથી તેમનો સોસીયલ સિક્યુરિટી નંબર રદ્દ થઈ શકે છે અને બેન્ક એકાઉન્ટ, પ્રોપર્ટી અને મૂડીરોકાણ ફ્રીઝ થઈ જશે. જો સાચા ગુનેગાર ને પકડવા તેઓ તેમને મદદ કરશે તો તેઓ તેમનો સોસીયલ સિક્યુરિટી નંબર રદ્દ નહીં થવા દે આમ કહી નાગરિકના બેક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, મૂડીરોકાણ ની વિગતો મેળવી લેતાં હતા. આ વિગતોને આધારે ગૂગલ પ્લે કાર્ડ દ્વારા તે નાગરિકો ના પૈસા ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી કરતાં હતાં.’