આજે બપોરે અમદાવાદના કલોલ તાલુકાના છત્રાલમાં બંદુકધારી લૂંટારૂઓએ સનસનાટીપૂર્ણ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ ફાયરીંગ કરી 50 લાખ રૂપિયા લૂંટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં આવેલી એક્સિસ બેન્કમાં રાબેતા મુજબનું કામકાજ ચાલી રહ્યું હતું તેવામાં શસ્ત્રો સાથે ધસી આવેલા ત્રણથી ચાર જેટલા લૂંટારૂઓએ બેન્કના કર્મચારીઓને ઘેરી લીધા હતા. કર્મચારીઓ નહીં ગાંઠતા અને લૂંટારૂઓને મચક નહીં આપતા રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવ્યું હતું. જેમાં બેન્કના એક કર્મચારીને ઈજા પહોંચી હતી.
બેન્ક લૂંટના સીસીટીવી ફૂટેજમાં ત્રણથી ચાર લૂંટારૂઓ બાઈક પર બિન્દાસ્ત આવ્યા અને બેન્કના કર્મચારીઓને બાનમાં લઈ લીધા હતા. ત્યાર બાદ કેશ કાઉન્ટર અને અન્ય રૂપિયાને બેગમાં ભરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ નાકાબંધી કરી છે. ડીવાયએસપી સોલંકી અને તાલુકા પીઆઇ ડાભી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.