સ્ટેટ મોનિટરિંગ સેલે બુધવારે રાત્રે રેડ કરી અને એક પોલીસ કર્મચારી અને સાત પોલીસપુત્ર સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલા શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની ફરિયાદો વારંવાર થતી જેને ધ્યાનમાં લઇને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણે જણાવ્યું છે કે, ‘ બુધવારે રાત્રે અમને બાતમી મળી હતી કે અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા શીતલ એકવા ફ્લેટ ની પાસે આવેલા કોમ્યુનિટી હોલ પાછળ ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો જુગાર રમે છે.
જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગઈકાલે રાત્રે ત્યાં દરોડો પાડયો હતો જેમાં તેમને એક પોલીસ કર્મચારી સહિત સાત પોલીસપુત્રો જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે તેમની પાસેથી અંદાજે પાંત્રીસ હજાર રૂપિયા રોકડા અને અન્ય વાહનો જપ્ત કર્યા હોવાનું માધુપુરા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.
પકડાયેલા કુલ આઠ જૂગારીઓ પૈકી મનોહર કાળીદાસ નામનો વ્યક્તિ હેડક્વાર્ટરનો પોલીસ કર્મચારી છે જે અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયો હોવાનું પણ જણાવ્યું હતું. આ બાબતે માધુપુરા પોલીસે આઠ જણાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.