અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 સપ્ટેમ્બરથી મ્યુનિ. સંચાલિત તમામ સેન્ટરોમાં વેક્સિન વગરના લોકોના પ્રવેશ પર પાબંદી મૂકી છે ત્યારબાદ શહેરની રેસ્ટોરેન્ટ અને હોટલોએ પણ મ્યુનિ. ના પગલે વેક્સિનેશન વગર ગ્રાહકોને એન્ટ્રી નહીં આપવાની જાહેરાત કરી હતી અને હવે 25 સપ્ટેમ્બરથી શહેરના થિયેટર્સમાં પણ વેક્સિન વગર એક પણ દર્શકને પ્રવેશ નહીં આપવા એસોસિએશને જાહેરાત કરી છે.
મ્યુનિ. અથવા રાજ્ય સરકાર દ્વારા વેક્સિન વગરના લોકો માટે પ્રતિબંધ મૂકવા કોઈ સત્તાવાર પરિપત્ર કર્યો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે જુદાજુદા ઉદ્યોગો વેક્સિનેશનને મેન્ડેટરી કરવા ભાર મૂકી રહ્યાં છે. થિયેટર્સની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 40થી વધુ મલ્ટિપ્લેક્સ છે. જે એસોસિએશનના નિયમનું પાલન કરવા બંધાયેલા નથી. તેઓ કોર્પોરેટ નીતિ મુજબ કામ કરતા હોય છે. એટલે શહેરના કેટલાક થિયેટર્સ એસોસિએશનના આ નિર્ણયના પક્ષમાં નથી.
શનિવારથી શહેરમાં થિયેટર્સમાં વેક્સિન ન લીધી હોય તેવો દર્શકો માટે નો-એન્ટ્રીની જાહેરાત થિયેટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત બાદ એક આક્ષેપ એવો પણ છે કે, આ નિર્ણયમાં તમામ થિયેટર્સ સંચાલકોનો મત લેવામાં આવ્યો નથી.
નિર્ણયની આવક પર અસર પડવા દહેશત
કેટલાક મલ્ટિપ્લેક્સ થિયેટર્સ સંચાલકોનું માનવું છે કે, કોરોનાના કારણે છેલ્લા 12 મહિનાથી મલ્ટિપ્લેક્સનો ધંધો પડી ભાંગ્યો છે. આવી સ્થિતિમાં એસોસિએશને વેક્સિન વગરના લોકો માટે નો-એન્ટ્રી કરી છે તે ચોક્કસથી નિર્ણય લોકહિતમાં સારો છે, પરંતુ તેની ધંધા ઉપર અસર પડશે.