અમદાવાદ કેંટોનમેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકીએ 100 નમ્બર ડાયલ કરી માંગી પોલીસની મદદ.
શહેરમાં સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાતા કેંટોનમેન્ટ વિસ્તારમાં અસંવેદનાની ઘટના બની. નવ વર્ષની દિવ્યાનીએ પોતાના મોબાઈલથી 100 નંબર ડાયલ કરી માંગી પોલીસની મદદ. “મારું ઘર બચાવો આ લોકો તોડી નાખશે”.
કનોજીયા પરિવાર 40 વર્ષથી પણ વધુ સમયથી કેંટોનમેન્ટ વિસ્તારમાં આવેલ અમદાવાદ જીમખાના કલબ પાસે રહે છે. છેલ્લા કેટલાક દિવસથી જીમખાના કલબના મેમ્બર્સ દ્વારા કનોજીયા પરિવારને પરેશાન કરવામાં આવે છે. ત્યારે ગતરોજ બપોરના સમયે અમદાવાદ જીમખાના કલબના કેટલાક મેમ્બર્સ બાઉન્સર સાથે રાજુભાઇ કનોજીયાના ઘરે પહોંચ્યા અને નિવાસ સ્થાન બહાર રાખેલ ગ્રીન પડદા હટાવવા લાગ્યા અને ઘરની બહાર રાખવામાં આવેલ સામાન ફેંકવા લાગ્યા ત્યારે ઘરમાં માત્ર નવ વર્ષની દીકરી દિવ્યાની એક માત્ર હતી અને બીજા પરિવારજનો અન્ય કામથી બહાર હતા. પરંતુ શાળામાં શીખવવામાં આવતી માહિતીઓનો ઉપયોગ કરી દિવ્યાનીએ પોલીસ પાસે મદદ માંગી.
દિવ્યાની અમદાવાદ કેંટોનમેન્ટ સ્કૂલમાં ભણે છે. જ્યાં વિશેષ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને શિસ્ત સાથે આપત્તિના સમયે કેવી રીતે વર્તવું તે પણ શીખવવામાં આવે છે જેનો ભરપૂર સદુપયોગ દિવ્યાનીએ કર્યો અને પોતાના પરિવારજનોની ગેરહાજરીમાં પણ પોતાના ઘરને બચાવવા માટે બાળકી એકલા હાથે ઝઝુમી.
જ્યારે બીજી તરફ વાત કરીએ તો બેટી બચાવો બેટી પઢાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરતા તંત્રએ પણ દિવ્યાની કનોજીયાની ફરિયાદ ને માત્ર અરજી સ્વરૂપે સ્વીકારી ઢાંક પીંછીડો કર્યો. દિવ્યાની તેની માતા અંબિકા કનોજીયા સાથે શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ટેક્નિકલ કારણો દર્શાવી પોલીસ દ્વારા માત્ર અરજી લીધી ત્યારે પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓમાં વધુ એક અરજીનો વધારો થયો.