કારંજ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે જામસાહેબની ગલીમાં ધમધમતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ જુગારધામ ડોન લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હતો. જ્યારે કારંજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પોસ્ટિંગ લઈને આવેલા પીએસઆઈ મોહસીન ઠાકુરના ભાઈ સિરાજ દાઢી પણ લતીફ ગેંગના સભ્ય હતા. જેથી લતીફ ગેંગ સાથે સંકળાયેલા માણસો ફરી વખત અમદાવાદમાં સક્રિય થઇને જુગારધામ ચલાવી રહ્યાં હોવાની માહિતીથી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. એટલું જ નહીં, કારંજ પોલીસની મદદથી ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો ત્યારે મહિલાઓએ હલ્લા બોલ કરીને યુસુફ લપલપ, ચીનો, ભગત, ચીકિયા, મહેબુબ સહિતના સહિત 2 ડઝન માણસોને ભગાડી મૂક્યા હતા.
કારંજ જામસાહેબની ગલીમાં ધમધમતા આ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને 14 માણસોને ઝડપી લઈ રૂ.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સ્ટેશનને મહિને 10 લાખ હપતો મળતો કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.વી.તડવી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેમના વહીવટદાર સમીરે મહિને 10 લાખનું ભરણ નક્કી કરીને મંજૂરી આપી હતી. ઘટનાને પગલે ડીસીપીએ કારંજ પીઆઈ અને વહીવટદાર સમીર વિરુદ્ધ ઈક્વાયરી શરૂ કરી છે.
મહિલાઓ પોલીસ આવતા જ દોડી આવી યુસુફ લપલપ અને મુસ્તાકે સ્થાનિક મહિલાઓને સૂચના આપી હતી કે કારંજ પોલીસ કે અમદાવાદની કોઈ પણ પોલીસ આપણા જુગારધામ પર રેડ નહીં પાડે. પણ, જો બહારની કોઈ પણ એજન્સી જુગારધામ પર રેડ પાડવા આવે તો તમારે ત્યાં આવીને હલ્લા બોલ કરીને ભગાડવામાં મદદ કરવી.