અમદાવાદમાં ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે. દરરોજના કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જો કે કોર્પોરેશન માટે આ નવી વાત નથી જ્યારે કોઈ મોટો ઉહાપો અને ઘટના બને પછી જ કોર્પોરેશન સાવચેતીના પગલાં અને બેઠક કરી કાર્યવાહી કરે છે. કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ આજે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.
અમદાવાદ ના અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર પહેલા અને તહેવારમાં અનેક દુકાનો, લારી ગલ્લા હોય કે અન્ય જગ્યાઓ તમામ જગ્યાએ ભીડ ભેગી થઈ હતી.ત્યારે આજે અમદાવાદના રાયપુર દરવાજા પાસે કોર્પોરેશન ની ટીમ ત્રાટકી હતી અને તમામ લારી ગલ્લા અને ખાણી પીણી ની લારીઓ બંધ કરાવવા માં આવી હતી.
લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજારમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. મીડિયામાં પણ અનેક વાર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અંગેના સમાચાર પ્રસારિત થતા હતા છતાં કોઈપણ કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કારંજ પોલીસ કરતી ન હતી. એકપણ પોલીસ કેસ કારંજ PI દ્વારા કોઈ પાથરણા કે લોકો સામે કરવામાં આવ્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ દબાણ હટાવવામાં આવતું ન હતું.
પાથરણા બજારના હપ્તાની લાલચમાં હજારો લોકો કોરોના સ્પ્રેડર બન્યા છે. આટલી બેકાબુ થયેલી ભીડ બાદ આજે અમદાવાદમાં કેસમાં વધારો થતાં લોકો સ્વયંભૂ જ ઘરમાં ત્યારે કોર્પોરેશનમાં કોરોના કાબુ કરવા મુકેલા અધિકારી શહેરમાં કોરોનાનાં ગાઈડલાઈનનું પાલન થાય તેના માટે ટીમોને ઉતારી દીધી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો જે બજારમાં હવે તહેવારોમાં બંધ હતા અને મુહૂર્ત બાદ ખુલ્યા છે અને ખાણીપીણી બજારમાં ફરી કાર્યવાહી કરવા નીકળી છે.