શહેરમા પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારંજ વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિરના ગાદીપતિએ કારંજ પોલીસની ફરજમા રુકાવટ કરી પોલીસ સાથે તકરાર કરી ધમકી આપતા તે મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને તેમની સાથે પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે અધિકારીઓની સૂચના પ્રમાણે હોટેલ, રેસ્ટોરેન્ટ, અને ધાર્મિક સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી પોલીસને સોંપવામાં આવી હતી. તે સંદર્ભમાં પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ પોતાના પોલીસ સ્ટાફ સાથે કારંજના લાલદરવાજાના સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિર પરિસરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની કાર્યવાહી થી મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઈનો પિત્તો ગયો હતો અને તેમણે પોલીસને કહ્યું કે આ મંદિર અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તમે અહીંથી તાત્કાલિક બહાર નીકળી જાઓ તમને કોણે પરમિશન આપી અમારા મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરવાની અને આટલુ કહી પોલીસના કામમાં રુકાવટ કરી તેમની સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. આટલુંજ નહી પરંતુ સાંઈબાબા મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઈ એ મંદિરમા પોતાની કામગરી કરવા આવેલી પોલીસને ધમકી આપી હતી કે, તમે જેટલા જણ મંદિરમાં આવ્યા છો તે તમામના નામ લખાવી દવા પીને મરી જઈશ અને કેરોસીન છાંટી સળગી જઈશ, આમ કરીને ઇકબાલ સાંઈ એ હંગામો મચાવી લોકોનું ટોળું એકત્ર કર્યું હતુ.
ત્યારબાદ પોલીસને ધમકી આપતા મંદિરના ગાદીપતિએ કહ્યું હતુ કે, તમે મને ઓળખતા નથી, હુ તમારા બધાના ટોપી પટ્ટા ઉતરાવી દઈશ. હવે પછી આવો તો ડીસીપીનો પત્ર લઈને આવજો અને પોલીસ સાથે આવેલ મહિલા પોલીસનો વિડીયો પણ ઉતારવા લાગ્યો હતો. આટલુ કરીને તેમણે પોલીસ સાથે તકરાર શરુ કરી હતી, જેથી આ મામલે કારંજ પોલીસે તેમના અધિકારીઓને જાણ કરતા પોલીસે લાલદરવાજા ખાતે આવેલા સાંઈબાબા મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઈ સામે પોલીસની કામગીરીમા રુકાવટ પેદા કરી ધાક ધમકી આપવા બાબતનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.
પોલીસ જ્યારે અડગ ફરજ બજાવતી હોય છે ત્યારે તેમને સહકાર આપવાને બદલે આમ દમદાટી કરવુ તે હિતાવહ નથી પ્રજાના રક્ષણ અને સાવચેતી હેતુ સજાગ બની તે પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યારે આવી દમદાટી આપનાર લોકો જરાય પણ સંકોચ કે સહકાર આપ્યા વિના રુઆબ બતાવી પોલીસ કર્મીઓને ધૂતકારે અને કામમાં અવરોધ પૈદા કરે તે સાંખી ન લેવાય. પોલીસને તેમના કાર્યમાં સહકાર આપવો પ્રત્યેક નાગરિકની એક ફરજ છે જેના લીધે મોટા ગુનાહ થતા અટકાવી શકાય છે.