અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પોતાના આર્થિક ફાયદા માટે, લોકો સાથે છેતરપિંડી, મોબાઈલ ફોનની ચોરી, મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાઓમાં મોબાઈલ સીમ કાર્ડનો દુરુપયોગ કરીને ધાક ધમકી આપતા હોવાના અનેક ગુનાઓ શહેરમાં બની રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ હવે એક્ટિવ થઈ ગઈ છે અને સીમ કાર્ડ સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. હવે મોબાઈલના સીમકાર્ડ વેચનાર દુકાનદારોએ ખરીદનાર ગ્રાહકોના ઓળખના પુરાવા તથા રહેઠાણના દસ્તાવેજો બરાબર ચકાસવા પડશે અને તેની તમામ માહિતી ત્રણ વર્ષ સુધી રાખવી પડશે.
મોટા ભાગના ગુનાઓમાં મોબાઈલનો ઉપયોગ થાય છે
અમદાવાદના પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે શહેરમાં મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા ઈ કોમર્સનું ચલણ વધી રહ્યું છે. તે ઉપરાંત સાયબર સંબંધિત ગુનાઓમાં ગુનેગારો સીમ કાર્ડ ખોટા નામ સરનામાના આધારે મેળવીને દેશના કોઈપણ ખૂણે બેસીને અપરાધને અંજામ આપી રહ્યાં છે. ઘણાં ગુનાઓની કામગીરીમાં ગુનાહિત કૃત્ય દરમિયાન મોબાઈલ ફોન હોવાનું પણ તપાસ એજન્સીઓની તપાસ દરમિયાન ફલિત થયેલ છે. આથી મોબાઈલ સીમકાર્ડના ખરીદ વેચાણ દરમિયાન યોગ્ય કાર્યરીતિનું પાલન થવું જરૂરી છે.
સીમ કાર્ડ ખરીદનારની માહિતી 3 વર્ષ સુધી સાચવવી પડશે
અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામાંમાં હૂકમ કર્યો છે કે, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે મોબાઈલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોની ડિસ્ટ્રીબ્યુટર કે વિક્રેતાઓએ બરાબર ચકાસણી કરવી પડશે. તમામ પુરાવાઓની માહિતીની ઝેરોક્ષ કોપી અથવા ડિઝીટલ ફોર્મમાં રાખવી પડશે. તે ઉપરાંત સીમકાર્ડના ડિઝીટલ એક્ટિવેશન થકી DKYC/ E KYC કરવામાં આવે છે. જેની માહિતી દરેક ડીસ્ટ્રીબ્યુટર/ રીટેલર્સે એક્સલ ફોર્મેટમાં રાખવાની રહેશે.
ડેટાને નુકસાન ના થાય તે જોવાની જવાબદારી વિક્રેતાની રહેશે
પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે સીમ કાર્ડ ખરીદનાર વ્યક્તિના ઓળખ તથા રહેઠાણના પુરાવા એક્સલ ફોર્મેટમાં ડીસ્ટ્રીબ્યુટર/ રીટેલર્સે ત્રણ વર્ષ સુધી સાચવી રાખવા પડશે. તે ઉપરાંત તેની હાર્ડ કોપી કાઢીને રેકર્ડમાં પણ સાચવવાની રહેશે. આ દરમિયાન ડેટા લોસ કે કરપ્ટ ના થાય તેની જવાબદારી સીમકાર્ડના વિક્રેતાની રહેશે. સીમકાર્ડ ખરીદનાર માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજોના પુરાવાની માહિતીનું રજિસ્ટર રાખવું પડશે. ગ્રાહકની ઓળખ અંગેની ફરજિયાત નોંધણી રજિસ્ટરોમાં કરવાની રહેશે. પોલીસ કમિશ્નરનો આ હૂકમ 60 દિવસ સુધી માન્ય રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.