અમદાવાદમાં આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે વારાફરતી 7 લોકોને અડફેટે લીધાં હતાં. જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઈને ઇન્કમટેક્ષથી વિદ્યાપીઠ તરફ આવતાં હતાં. તેમણે આ દરમિયાન વારાફરતી 7 લોકોને અડફેટે લીધાં હતાં. કાર એટલી ઝડપે હતી કે સૌથી પહેલા એક એક્ટિવ ત્યાર બાદ એક કાર અને રીક્ષા અને ત્યાર બાદ બે એક્ટિવને અડફેટે લીધા
હતાં.ત્યાર બાદ કાર આગળ જઈને ફૂટપાથ પર ચડી ગઈ અને કાર ઉભી રહી ગઈ હતી.
લોકોએ કારમાંથી વૃદ્ધ ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો. કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. વિદ્યાપીઠ પાસે અકસ્માતની ઘટના નજરે જોનાર પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વૃદ્ધ ચિક્કાર શરાબ પીને ગાડી ચલાવતાં હતાં. તેમણે એક પછી એક એમ સાત લોકોને અડફેટે લીધાં હતાં.
આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સર્જનાર કાર ચાલક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડમાં જાણવા મળ્યું છે કે તેઓ વકિલ છે અને ઈન્કમટેક્સ બાર એસોસિએશનમાં જોડાયેલા છે.