શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂપિયા 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસ વડા એ તપાસના આદેશ બાદ કેસની તપાસ અન્ય ડિવિઝન ના એસીપી ને અપાઈ હતી.જેમાં પોલીસ કર્મીઓના નિવેદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.પી.ચુડાસમને સોંપી છે.છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સ્ટેશનોમાં ચર્ચાનો વિષય બનેલા તોડકાંડ ની ઘટનામાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાશે ?
એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના પાંચ કર્મીઓએ કોલસેન્ટર ના પ્રોસેસર ને પકડી લાવી હતી.જેમાં પોલીસકર્મીઓ કોલસેન્ટર ચલાવતા માલિક સુધી પહોંચી પહેલા 10 લાખ પછી 20 લાખ અને છેલ્લે 30લાખ માં વહીવટ કરી નાખ્યો હતો.મોડી રાત સુધી 30 લાખ નો વહીવટ કરી દેવાયો હતો.પાછળથી વધુ 35 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. રૂપિયા 65 લાખના તોડ ની ઘટના હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 65 લાખના તોડની ઘટના ચર્ચાનો વિષય બની છે.વસ્ત્રાપુર પોલીસ દ્વારા અવારનવાર આ રીતે દારૂના કેસમાં પણ તોડ કરવામાં આવતો હોય છે અને ખુદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર યશપાલ સિંહ જ વહીવટ કરે છે.રાજ્યના પોલીસવડાના તપાસના આદેશ બાદ બી ડિવિઝન એસીપી એલ.બી.ઝાલા ને તપાસ સોંપાઈ હતી.જેમાં પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ,પોલીસકર્મીઓના નિવેદનો લેવાયા હતા.ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર બાબત પર તપાસ પર છાટા ઉડે તેવી શક્યતાને પગલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે.આગામી દિવસોમાં પોલીસ ખરેખર કેસમાં જો તોડ થયો હોય તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરશે કે કેમ ? તે જોવું રહ્યું.