અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં જાહેરમાં ફાયરિંગની ત્રણ ઘટના સામે આવી છે, ત્યારે એસજી હાઈવે પર એક યુવકે ચાલુ કારમાં બંદુક દેખાડી વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, મહત્વની વાત તો એ છે કે, આ યુવકની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ લાગી છે. આ વીડિયોને લઈ સેટેલાઈટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છ.
અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ જાહેર માર્ગ પર ફાયરિંગના ત્રણ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયો તો દાણીલીમડા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં વરરાજાએ ઉત્સાહમાં આવી હવામાં ફાયરિંગ કર્યું હતુ જેથી પોલીસે તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી એક ઘટનામાં બાપુનગર પાસે જાહેર માર્ગ પર દેવ બાદશાહ નામના યુવકે તલવારથી કેક કાપી જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, જેથી આ વીડિયો વાયરલ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં વરના કારમાં પોલીસની પ્લેટ લખેલી ગાડીમાં એક યુવકે વીડિયો બનાવ્યો છે જેમાં યુવક ગાડી ચલાવતા ચલાવતા ફિલ્મી સ્ટાઈલ મારી બંદુક બતાવી રહ્યો છે. આ વીડિયો શહેરના એસજી હાઈવેનો છે.
આ વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. સેટેલાઇટ પીઆઈ જે.બી. અગ્રાવતએ વાયરલ વીડિયોને લઈ જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર કારમાંથી ડ્રાઈવર સાઈડ બેઠેલો યુવક ચાલુ કારે રિવોલ્વર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યો હોવાના વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીની શોધખોળ સેટેલાઇટ પોલીસ સ્ટેશન કરતી રહી અને આરોપી ને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો.
પરંતુ સવાલ એ ઉભો થયો છે કે સ્થાનિકો નું કહેવું છે કે આરોપીની પોલીસમાં મોટી પહોંચ હોવાથી પોલીસ ની છબી ખરડાય નહીં તે માટે થઈ ને તે જાતે જ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો છે તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.