છેલ્લા ઘણા સમય થી દારૂબંધીને લઈ શહેરકોટડા પોલીસ વિવાદમાં સપડાઈ છે.ક્યારેક તો કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા અથવા ક્યારેક સ્થાનિક નાગરિકો પોતે શહેરકોટડા પોલીસની ભૂમિકા અંગે વિરોધ કરતા સામે આવ્યા છે. થોડા દિવસ અગાઉ જ શહેરકોટડાના પીઆઈ અને તેમના વહીવટદારોના નામ સહિતના બેનર્સ પોસ્ટરમાં બુટલેગરો સાથે પોલીસની મિલીભગતના આરોપો લગાવવામાં આવતા પીઆઈ ની બદલી કરવામાં આવી હતી. તો બીજીતરફ કુબેરનગરમાં રહેતા એક બુટલેગરે પોતાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. બુટલેગર રોહન ગારંગે ઉર્ફે બટકાના વાયરલ થયેલા વિડીયોમાં શહેરકોટડાના પીઆઈ અને બે વહીવટદાર અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરકોટડા પોલીસ રોજના 15 હજાર રૂપિયા લઈને રોહન ગારંગે ઉર્ફે બટકાને શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરવાની પરમિશન આપી હોવાનો બુટલેગરે દાવો કર્યો હતો. જેથી કહી શકાય કે શહેરકોટડા પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે.
આપને જણાવી દઈએ કે શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની હાટડીઓ ચાલતી હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો લગાવી રહ્યા છે.પીઆઈ અને વહીવટદારોના આશીર્વાદ થી બુટલેગરોથી મસમોટા હપ્તા લઈ શહેરકોટડાની સ્થાનિક પોલીસ દેશી દારૂ વેચવાની છુટ આપી છે. જે સંદર્ભમાં પીઆઇ ની બદલી કરી દેવામાં આવી હતી. વાત કરીયે દારૂબંધીની તો આ વાત માત્ર કાગળ ઉપર જ દેખાઈ આવે છે. કારણ કે અમદાવાદ શહેરમાં રોજબરોજ પોલીસ દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડે છે. તો પછી દારૂબંધી આખરે છે ક્યાં.?
શહેરકોટડાના પોલીસ હદમાં આવતી પોપટલાલની ચાલી, ડાહ્યાલાલની ચાલી, અને વકીલની ચાલીમાં ખુલ્લેઆમ દેશી દારૂનો ધુમ વેચાણ બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. કારણ કે સ્થાનિક પોલીસ હપ્તા ઉઘરાવી બુટલેગરોને દારૂનો ધંધો કરવા છુટો દોર આપી દીધો છે. જેની આડમાં બુટલેગરો સ્થાનિક નિર્દોષ પ્રજા સાથે ઝગડા, ધાકધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.જેના અનુસંધાનમાં અમદુપુરા પોલીસ ચોકીમાં ઘણી વખત મૌખિક રજૂઆતો અને લેખિત અરજીઓ આપવામાં આવી છે.તેમ છતાં શહેરકોટડા પોલીસ બુટલેગરોને છાવરી રહી છે.
જેથી બુટલેગરો અને શહેરકોટડા પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને મીલીભગતના વિરોધમાં ત્રણેય ચાલીના લોકોએ બુટલેગરોના નામ સહિતના બેનરો છપાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મોટી સંખ્યામાં લોકો એ દેખાવ કરી બુટલેગરો હાય હાય દારૂબંધી હાય હાય ના નારા લગાવી પ્રદર્શન કરી નારાજગી વ્યક્ત કરી હતી. બે દિવસ પહેલાજ નરોડા gidc ખાતેના બે બુટલેગરોનો વિડીયો વાયરલ થતા નરોડા પોલીસ અને બુટલેગરોની મીલીભગતની પોલ ખુલી ગઈ હતી.અને શહેરકોટડાના રહીશો બુટલેગરો થી ત્રસ્ત થઈ રોડ પર ઉતરી આવતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે.હવે જોવાનું રહ્યું કે આખરે શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરોના ત્રાસના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ અહીંયાના ઉચ્ચ અધિકારીયો કેવી રીતના પગલા ભરશે.