અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની હાલની સ્થિતિ જોતા સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ દરમિયાન કોરોના વોરિયર પોલીસ જવાનો પણ કોરોના વાયરસનો શિકાર બની રહ્યો છે. તાજેતરમાં સામે આવેલી માહિતી મુજબ અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનના 6 પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં પીએસઆઇ જે.જે.ચૌધરી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 24 જુલાઈ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3628 કોરોના એક્ટિવ કેસો હતા, જ્યારે 20153 લોકોએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે. આ સાથે જ અમદાવાદમાં 24 જુલાઈ સાંજ સુધીમાં 1568 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.