શહેરમાં કોરોનાની મહામારી નાથવા ફર્ન્ટ લાઇન કોરોના વૉરિયર્સ તરીકે પોલીસના અધિકારીઓ અને જવાનોને બિરદાવવામાં આવે છે. કડક લૉકડાઉન બાદ અનલોક 1.0 નું પાલન કરાવનાર આજ જવાનો વિવાદિત પીઆઈની વિદાય સમારંભમાં ભાન ભૂલ્યા હતા. તેઓ કોરોનાના વાયરસને આમંત્રણ આપતા હોય તેમ નજરે પડ્યા હતા. આ કાર્યક્રમના ફોટો સોશિયલ મીડિયા માં વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે પીઆઇ ઝાલા ની સુરત ખાતે બદલી આવતા તેઓએ નિકોલનો ચાર્જ છોડ્યો હતો.
શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વહીવટદારો ઉપર ચાર હાથ રાખનાર વિવાદિત પીઆઇની બદલીના આદેશો આપી દેવામાં આવ્યા છે. જેને લઈને પીઆઈ હિતેષસિંહ ઝાલાની સુરત બદલી થતા પોલીસ સ્ટેશન ખાતે નીતિ નિયમ વિરુદ્ધ જાહેર જનતાને ભેગી કરી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું ન હતું. માસ્ક પણ ન પહેરેલા પીઆઇ સહિત અન્ય જવાનોનાં ફોટા વાયરલ થયા છે. હવે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કેવા પગલાં ભરાશે તે જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે પીઆઇ એચ. બી. ઝાલા તેમના વહીવટદારોનાં કારણે તાજેતરમાં જ વિવાદમાં આવ્યા હતા. લોકો પાસે પૈસા પડાવવા જેવી અનેક ફરિયાદો પણ ઉઠી હતી.
આ બાબતે ઝોન 5 ડીસીપીએ તેમનો ઉધડો પણ લીધો હતો અને ઇન્કવાયરી સોંપી હતી. હવે આ મામલે તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે કે પીઆઇ ઝાલા તેમની વગ વાપરીને બચી જશે તે આગામી સમયમાં જ સામે આવશે.