Ahmedabad એક મહિનાની અંદર મસ્જિદો, દરગાહો, મદ્રેસાઓના બાંધકામને કાયદેસર કરાવવા ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખની અપીલ
Ahmedabad 17 જુન-2025 સુધી ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરી શકાશે ઈમ્પેક્ટ ફી ભરવા માત્ર એક મહિનાનો સમય છે, મુસ્લિમ સમાજ મસ્જીદો, દરગાહો, મદ્રેસાઓના બાંધકામને કાયદેસર કરાવવા આગળ આવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અપીલ કરી છે.
અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુસ્લિમ સમાજને અપીલ કરતાં જણાવ્યું છે કે, સમગ્ર રાજયમાં યેન કેન પ્રકારે મુસ્લિમ સમાજના વસાહતો, મરસ્જીદો, દરગાહો, મદ્રેસાઓને સરકારી તંત્ર દ્વારા ડિમોલીશન કરવાનું એક કાવતરુ ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે આશ્ચર્યજનક રીતે કથિત પાક. કનેક્શન મામલે ધારીના હીમખીમડી પરા વિસ્તારમાં આવેલા દિને મોહમ્મદી મદરેસાના મૌલાનાની SOG અને ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં સઘન તપાસના અંતે તેમને ક્લીન ચીટ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
સંયુક્ત નિવેદનમા જણાવ્યું કે દિને મોહમ્મદી મદ્રેસાને 13 મે, 2025ને મંગળવારના રોજ બાંધકામની મંજુરી ન લેવા તેમજ હેતુફેરના કારણો આગળ ધરી મદ્રેસા પર બુલડોઝર ફેરવી દેવાયું તે ગંભીર ઘટના દ્વારા સરકારી તંત્રની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈ સમગ્ર મુસ્લિમ સમાજમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે.
તેમણે સંયુક્ત નિવેદનમા જણાવ્યું કે ઉપરોક્ત ઘટનાથી બોધપાઠ લઈ સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજના લોકોએ પોતાની મૂળ માલિકીની જગ્યા પર સરકારી મંજુરી મેળવ્યા વિના મદ્રેસાઓ, રહેઠાણ તેમજ કોમર્શીયલ ગેરકાયદેસર બાંધકામો ને આગામી 17 જુન 2025 સુધી (હવે માત્ર એક માસનો સમય બાકી છે) ત્યારે ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાવવા તાત્કાલિક સિવિલ એન્જિનિયર દ્વારા સ્થાનિક સત્તા મંડળ સમક્ષ અરજી કરી મદ્રેસાઓ સહિતની ધાર્મિક, રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોની ઈમ્પેક્ટ ફી ભરી મિલકતોને સુરક્ષિત કરવા આગળ આવે.