facebook પર અમદાવાદના પરિણીત યુવકે પોતે અપરિણીત હોવાનું જણાવીને વડોદરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે અમદાવાદ રહેવા ગઈ હતી અને સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે ગર્ભવતિ બની હતી.જોકે, ગર્ભવતિ બન્યા પછી યુવતીને જાણ થઈ હતી કે, તેનો પતિ પહેલેથી જ પરિણીત છે અને તેને બે સંતાનો પણ છે. આ બનાવ બાદ છૂટાછેડા માટે દબાણ કરતા પતિ તેમજ સાસરિયાંઓના ત્રાસથી પરિણીતા વડોદરા પાછી આવી ગઈ હતી. આ બનાવ અંગે હરણી પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ફેસબુક પર થયો પ્રેમ, કરી લીધાં લગ્ન
હરણી ગામની વણકર વાસમાં રહેતી મધુબેન ફેનિલભાઈ મેવાડાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018માં ફેસબુક ઉપર મારી અમદાવાદના ફેનિલ મેવાડા નામના યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી.ફેનિલ ફેસબુક ઉપર ગબ્બરસીંગ નામના આઈડી પરથી મારી સાથે ચેટ કરતો હતો. સોશિયલ મીડિયા પર છ મહિનાની વાતચીત બાદ અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ફેનિલ મને કહેતો હતો કે, આપણે લગ્ન કરી લઈએ. પરંતુ, હું લગ્ન કરવા તૈયાર ન હતી.
તેણે મને કહ્યુ કે, જો તૂ મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. છેલ્લે તેની જીદને વશ થઈને મેં તેની સાથે દિવાળીપુરા કોર્ટમાં રજિસ્ટર મેરેજ કરી લીધા. ફેનિલે મેરેજ વખતે પોતે કુંવારો હોવાનુ લખાવ્યુ હતુ. લગ્ન બાદ અમે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેવા ગયા હતા.સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે હું ગર્ભવતિ બની. મને આઠમો મહિનો ચાલતો હતો. એક વખત સાંજે હું અને ફેનિલ ઘરમાં હાજર હતા. તે વખતે બે મહિલા અને ત્રણ પુરૂષ અમારા ઘરમાં ઘુસી આવ્યા. મહિલાએ મને પુછ્યુ કે, તૂં કોણ છે ? મેં જવાબ આપ્યો કે, હું ફેનિલની પત્ની છું. તેણે પુરાવો માંગ્યો એટલે મેં મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું.
ગર્ભવતી બન્યા બાદ યુવતી સામે આવી ચોંકાવનારી હકીકત
તેણે મને કહ્યુ કે, ફેનિલ મારો પતિ છે અને અમારા બે સંતાનો પણ છે. મહિલાની વાત સાંભળીને હું ડઘાઈ ગઈ. તેઓ ફેનિલને પોતાની સાથે લઈ ગયા. હું ઘરમાં એકલી જ રહેતી હતી. પાંચેક દિવસ પછી તેમનો મને ફોન આવ્યો અને મને લો ગાર્ડન બોલાવી. હું ત્યાં પહોંચી ત્યારે ફેનિલના માતા-પિતા અને અન્ય લોકો ત્યાં મૌજુદ હતા.
તેમણે મને કહ્યુ કે, ફેનિલને છૂટાછેડા આપી દે અને બાળક જન્મે પછી તેને કોઈને દત્તક આપી દઈશુ. ત્યારપછી તૂ બીજા કોઈ જોડે લગ્ન કરી લેજે. મેં કહ્યુ કે, પોલીસને બોલાવીને આવી વાત કરો. તેઓ પોલીસને બોલાવવા તૈયાર ન હતા. તેમણે મને ધમકી આપીને છોડી દીધી. ત્યારથી હું વડોદરા આવી છું અને છેલ્લા બે મહિનાથી હરણી ગામમાં રહું છું.
ફેનિલે મારી પાસેથી ટૂકડે ટૂકડે બે લાખ રૂપિયા લીધા છે. તેને મેં મોબાઈલ પણ અપાવ્યો હતો. ઉપરાંત, સોનાની ચેઈન અને બીજા દાગીના પણ તેની પાસે છે. ઉપરોક્ત ફરિયાદને આધારે હરણી પોલીસે ફેનિલ મહેન્દ્રભાઈ મેવાડા (રહે. વેમીના સોસાયટી, ઓઢવ, અમદાવાદ), ઉર્વશી ફેનિલ મેવાડા અને નીરૂબેન મહેન્દ્રભાઈ મેવાડા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.