શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીએસઆઈને 60,000 રુપિયાનો તોડ કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દુબઈથી દારુ લાવનારા એક વ્યક્તિ પાસેથી આ પીએસઆઈએ કથિત રીતે 60,000 રુપિયા પડાવ્યા હતા. જેની જાણ થતાં સેક્ટર 2ના જેસીપી અશોક યાદવે પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પરેશ ચાવડા અને અન્ય બે પોલીસકર્મીઓ સામે નવા નરોડામાં રહેતા ધર્મેન્દ્ર પોઈકા નામના શખ્સે ફરિયાદ કરી હતી. જોકે, પીએસઆઈ સાથે રહેલા અન્ય બે પોલીસકર્મીઓની ઓળખ થઈ શકી નથી. ફરિયાદ અનુસાર, 19મી ફેબ્રુઆરીએ ફરિયાદી ધર્મન્દ્ર પોઈકા પોતાની પત્ની અને મિત્ર તેમજ તેની પત્ની સાથે દુબઈ ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે તેમણે દુબઈ એરપોર્ટની ડ્યૂટી ફ્રી શોપ પરથી વાઈનની ચાર બોટલ ખરીદી હતી. તેઓ અમદાવાદ પરત ફર્યા બાદ ઘરે જતા રહ્યા હતા, અને થોડા સમય પછી એક ગાડી તેમને ત્યાં આવી હતી. આ કારમાંથી પોલીસના ડ્રેસમાં રહેલા એક વ્યક્તિની સાથે બે અન્ય લોકો મોજુદ હતા, અને તેમણે ગાડીને ચેક કરવી પડશે તેમ જણાવ્યું હતું. ગાડીના ચેકિંગ દરમિયાન તેમાંથી દારુની ત્રણ બોટલ મળી હતી, જ્યારે એક બોટલ ફરિયાદીની પત્નીએ ઘરમાં રાખી હતી. દારુની બોટલ મળ્યા બાદ તેમને તેના બિલ સાથે ઠક્કરનગર પોલીસ ચોકી આવવાનું કહેવાયું હતું. પોલીસ ચોકી પહોંચેલા ધર્મેન્દ્ર પોઈકાએ દારુની બોટલોના બિલ તેમજ તેમની પત્નીનો પાસપોર્ટ રજુ કર્યા હતા, અને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ પેસેન્જરને બે લિટર દારુ લાવવાની પરવાનગી હોવાથી તેઓ પોતાની સાથે ચાર લિટર લિકર લાવ્યા હતા. જોકે, પીએસઆઈ ચાવડાએ તેમને ધમકાવ્યા હતા અને તેમની પાસેથી જબરજસ્તી 60,000 રુપિયા પડાવી લીધા હતા. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીઆર ચૌધરીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ઈન્ટરનેશનલ પેસેન્જર પોતાની સાથે બે લિટર દારુ લાવી શકે છે. હાલ પીએસઆઈ સાથે અન્ય બે પોલીસકર્મી કોણ હતા તેની તપાસ ચાલી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.