અમદાવાદની ત્રીશા હોસ્પિટલમાં યુવકનું મોત થતા મોટો વિવાદ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં પરિવારજનોએ ત્રિશા હોસ્પિટલના ડોક્ટરો પર મોટો આક્ષેપ લગાવતા સન્નાટો વ્યાપી ગયો છે. પરિવારજનોનું કહેવું છે કે યોગેશ ખટિકને અકસ્માત બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું તાત્કાલિક સર્જરી કરાવવી પડે તેમ હતી. જેથી એનેસ્થેશિયાના હાઇડોઝના કારણે યોગેશનું મોત થયાનો આરોપ લગાવી છે. ત્યારબાદ સમગ્ર મામલો વાડજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યાં પરિવારજનોએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શનિવારે બપોરે એક્ટિવા પરથી સ્લીપ થતા 30 વર્ષના યુવક યોગેશ ખટિકને હાથ પર ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને તાત્કાલિક નિર્ણયનગરમાં આવેલી ત્રિશા હોસ્પિટલમાંમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા. હોસ્પિટલમાં એક્સરે રિપોર્ટના આધારે ડોકટરે પરિવારજનોને સર્જરી માટે કહ્યું હતું.
પરિવારજનોએ મંજૂરી આપતા યોગેશને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને એનેસ્થેશિયામાં આપવામાં આવ્યો હતો. પરંતુ ભગવાનને કંઇક અલગ મંજૂર હતું. જ્યાં મૂળ ચાંદલોડિયામાં રહેતા યોગેશ ખટિકનું ત્રિશા હોસ્પિટલમાં સર્જરી દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારબાદ પરિવારજનોને ખબર પડતા તેમને હોબાળો કરી મૂક્યો હતો.
પરિવારજનોનું કહેવું છે કે યોગેશના હાથના ઓપરેશન માટે હસતો બોલતો ખુદ ચાલીને ઓટીમા ગયો હતો. પરિવારનો આક્ષેપ હતો કે, ડોકટરે ઓપરેશન દરમિયાન એનેસ્થીસિયાનો હાઈડોઝ આપતા તેનું મોત નીપજ્યું છે માટે ડોક્ટરની બેદરકારીના કારણે યોગેશનું કરુણ મોત નીપજ્યું છે.
જ્યારે બીજી તરફ ત્રિશા હોસ્પિટલના ડોકટર અલ્પેશ પટેલનું કહેવું છે કે, પ્રાથમિક કારણ મુજબ એનેસ્થીસિયાનો ડોઝ આપ્યા પછી તેમને ખેંચ આવી અને તેમનું મોત નીપજ્યું છે પરંતુ સ્પષ્ટ કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
યોગેશના પરિવારજનોએ બહોળી સંખ્યામાં ત્રિશા હોસ્પિટલમાં આવી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ સાથે જ પરિવારજનોને ત્રિશા હોસ્પિટલ હાય હાય ના નારા લગાવી હોસ્પિટના ડોકટર અને સ્ટાફની બેદરકારી બદલ વિરોધ દર્શવ્યો હતો. હાલ યોગેશના પરિવારજનોએ વાડજ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરની બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરી છે. હાલ યોગેશના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.