યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને ફોટો અપલોડ કરીને અશ્લીલ મેસેજ લખનાર યુવકની સાયબર સેલે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ પ્રેમમાં નિષ્ફળ જતાં યુવકે આ કૃત્ય કર્યું હતું. એકતરફી પ્રેમની માહિતી મળતાં યુવતીએ મિત્રતા તોડી નાખી હતી. તેનાથી નારાજ યુવકે યુવતીને બદનામ કરવાનું નક્કી કર્યું.
સેટેલાઈટના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા શિલિકોનવેલી એપાર્ટમેન્ટમાં રહેતા દીપ વિપુલભાઈ કંસારા (ઉંમર 20)ની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ દીપે ફરિયાદીની પુત્રી સાથે મિત્રતા કરી હતી. દીપ યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવાની વાત કરતો હતો. યુવતીને આ વાતની જાણ થતાં તેણે દીપ સાથેની મિત્રતા તોડી નાખી હતી.
દીપ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને યુવતીના નામ પર અભદ્ર અને અશ્લીલ લખાણ લખતો હતો અને યુવતીને બદનામ કરવા તેને વાયરલ કરતો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા માટે આ આઈડી બનાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના કબજામાંથી એક મોબાઈલ ફોન અને એક આઈફોન કબજે કર્યો હતો.